જામનગરમાં લોક ડાઉનનો ભંગ બદલ વધુ 35 FIR, 193 વાહનો ડિટેઇન
- ધ્રોલમાં ક્રિકેટ રમતા પાંચ શખ્સો અને એક વેપારી પકડાયા, જામનગરમાંથી ટોળું ભેગું કરનારા 11 રેકડી ચાલકોની ધરપકડ
જામનગર, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર
જામનગર શહેરમાં લોક ડાઉન દરમિયાન પોલીસ તંત્ર ખૂબ જ એલર્ટ બની ગયું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી નિગરાની રાખવામાં આવી રહી છે. જેમાં લોક ડાઉન નો ભંગ કરવા અંગે કુલ 35 FIR દાખલ કરવામાં આવી છે અને 96 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ વિના કારણે ઘરમાંથી બહાર નીકળેલા અને લોક ડાઉનલોડ નો ભંગ કરનાર 193 લોકોના વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જામનગર શહેરના ખોજા નાકા વિસ્તારમાં એકીસાથે 11 શાકભાજી અને ફળોના રેકડી ચાલકો ઊભા રહી ગયા હતા અને મોટી ભીડ ઉભી કરી હતી. જેથી પોલીસ તંત્રએ પહોંચી જઈ તમામ 11 રેકડી ચાલકોની અટકાયત કરી લીધી છે અને તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યા છે.
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ખાનગી સંસ્થા દ્વારા શાકભાજી તથા અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતુ ત્યારે ટોળા સ્વરૂપે એકત્ર થયેલી અને ઝપાઝપી કરી શાક બકાલુ વગેરે જમીન પર ઢોળી નાખી ભીડ કરનારી પાંચ મહિલાઓ તથા એક પુરુષ સહિત છ શખ્સો સામે પણ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં જાહેરમાં ક્રિકેટ રમી લોક ડાઉનનો ભંગ કરનારા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડયા છે. ઉપરાંત તમાકુ નું વેચાણ કરનારા એક વેપારીને પણ પોલીસે પકડી પાડયો છે અને તેની સામે ગુનો નોંધાયો છે.