જામનગર જિલ્લામાં ડિટેઇન કરેલા વાહનો પોલીસ દ્વારા દંડ ભરી પરત અપાશે
- પ્રત્યેક વાહનચાલકોને વારાફરથી ફોન કરીને પોલીસ મથકે દંડ ભરવા બોલાવાશે
જામનગર, તા. 10 એપ્રીલ 2020, શુક્રવાર
જામનગર શહેર અને જિલ્લામાં 15 દિવસના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી વિના કારણે ઘર માંથી બહાર નીકળેલા 2,600 જેટલા વ્યક્તિઓના વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. અને જુદા જુદા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે. જે વાહનો પોલીસ મથકમાં જ દંડ ભરીને છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અને પ્રત્યેક વાહનમાલિકોને પોલીસ તંત્ર દ્વારા ટેલિફોન મારફતે બોલાવ્યા પછી જ પોલીસ મથકે હાજર રહેવા એસપી દ્વારા સૂચના અપાઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં ડિટેઇન થયેલા વાહનોને આરટીઓમાં દંડ ભરીને છોડવાને બદલે જે તે વિસ્તારના પોલીસ મથકમાં જ દંડ ભરીને વાહનો છોડવા માટે રાજ્ય સરકારનો નિર્ણય આવી ગયા પછી જામનગર શહેર અને જિલ્લામાં પણ આવા ડીટેઈન કરાયેલા વાહનોને દંડ ભરીને છોડવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે.
પરંતુ જે લોકોના વાહન ડિટેઇન થયેલા છે, તેઓ એકીસાથે પોલીસ મથકે આવવા માટેની જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે. જે લોકોના વાહનો ડિટેઇન થયા છે તેઓને ટેલિફોનિક જાણ કરીને જ પોલીસ મથકે બોલાવવામાં આવશે, અને તેઓએ પોતાના વાહનો દંડ ભરીને લઈ જવા સૂચના આપવામાં આવી છે.