આફત હજુ ટળી નથી! વાવાઝોડું ટકરાયા બાદ આ બધું થવાનું બાકી, હવામાન વિભાગે મોડી રાતે આપી માહિતી
વાવાઝોડું નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થઈ જશે
આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું ગંભીર વાવાઝોડાંમાંથી ચક્રવાતી તોફાન અને બાદમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે
image : Twitter |
અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું ઉત્તરપૂર્વ બાજુથી સૌરાષ્ટ્ર-કચ્છને વટાવી ગયું છે. જખૌ પોર્ટ નજીક રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન આ વાવાઝોડું આગળ ફંટાયું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ થઈ હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન ફૂંકાયો હતો. જખૌ પોર્ટથી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાંથી આ વાવાઝોડું પસાર થયું હતું.
હજુ સૌરાષ્ટ્ર-કચ્છ પર વાવાઝોડાંની અસર દેખાઈ રહી છે
હવામાન વિભાગના અહેવાલ અનુસાર હાલમાં પણ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત્ છે. વાવાઝોડાંને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થઈ જશે. માહિતી અનુસાર સવારના સમય દરમિયાન વાવાઝોડું નબળું પડી શકે છે તેવી સંભાવના છે. આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું ગંભીર વાવાઝોડાંમાંથી ચક્રવાતી તોફાન અને બાદમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. વાવાઝોડાને કારણે હજુ 60 થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેશે.
પવનની ગતિ ઘટશે, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
જો કે કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. માછીમારો માટે હજુ એલર્ટ યથાવત્ છે. સિગ્નલ બદલી દેવાયા છે. ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી હતી. IMDના ડિરેક્ટરે ગુરુવારે રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.