Jamnagar

સિક્કામાં ગરબી જોઈને પરત ફરતા દંપતિના સ્કૂટરને બાઇકે ટક્કર અકસ્માત, પતિનું મોત

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના સિક્કામાં ગરબી જોઈ પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત. 18 ઓક્ટોબરે મોડી રાત્રે ત્રણ સવારી મોટરસાઇકલ ચાલકે પૂરપાટ ઝડપે સ્કૂટરને ટક્કર મારી. આ દુર્ઘટનામાં ભાવપરી ગોસાઈ (ઉં.વ.30)નું માથામાં ગંભીર ઈજા થતા મૃત્યુ થયું. પત્ની સેજલબેનને ઈજા થઈ, પુત્રીનો બચાવ થયો. સિક્કા પોલીસે મોટરસાઇકલ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિક્કામાં ગરબી જોઈને પરત ફરતા દંપતિના સ્કૂટરને બાઇકે ટક્કર અકસ્માત, પતિનું મોત

Jamnagar Accident : સિક્કામાં જી.ઈ.બી.ની ગરબી જોઈને સ્કૂટર પર પત્ની અને પુત્રી સાથે ઘરે પરત ફરી રહેલા યુવાનના સ્કૂટરને સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલી ત્રણ સવારીવાળી મોટરસાઇકલે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટરચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને દંપત્તિ ખંડિત થયું છે. અકસ્માતમાં યુવાનની પત્નીને પણ ઇજા થઈ હતી, જ્યારે તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો.
આ બનાવ અંગે સિક્કામાં આંગણવાડી પાસે રહેતાં સેજલબેન ભાવપરી તેજપરી ગોસાઈ (ઉં.વ.30)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.18 ઓક્ટોબરની રાત્રે તેઓ તેમના પતિ ભાવપરી અને પુત્રી સાલીની સાથે જીજે-10-ઈએલ-1385 નંબરના જ્યુપિટર સ્કૂટર પર જી.ઈ.બી.ની ગરબી જોવા ગયાં હતાં. ગરબી જોઈને રાત્રે આશરે એક વાગ્યે ઘરે પરત ફરતાં તળાવ સામેના માર્ગ પર પહોંચ્યા હતા, ત્યારે સામેથી જીજે-10-ઈજી-2744 નંબરની મોટરસાઇકલ પર ત્રણ સવારીમાં આવતા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમના સ્કૂટરને ટક્કર મારી હતી.
ટક્કર વાગતાં સ્કૂટર પર સવાર ત્રણેય નીચે પટકાયાં હતાં. સેજલબેનને જમણા પગમાં, હાથમાં અને માથાના ભાગે ઇજા થઈ હતી, જ્યારે તેમના પતિને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પતિને ખાનગી વાહનમાં જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સેજલબેનને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમની પુત્રીને ઇજા થઈ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સિક્કા પોલીસે મોટરસાઇકલચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.