જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત: કોવિડ હોસ્પિટલમાં વધુ એક વૃદ્ધ મહિલા દર્દીના મૃત્યુથી ભયનો માહોલ
- જામનગર શહેર માં છેલ્લા 48 કલાક દરમિયાન વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જોકે ગ્રામ્ય વિસ્તારમાં રાહત
- જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવાર દરમિયાન 1032 કોવિડ પરીક્ષણ કરાયા, જી.જી. હોસ્પિટલમાં કોરોનાના 4 દર્દી દાખલ
જામનગર, તા. 27
જામનગર શહેર માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધતું જાય છે, અને છેલ્લા 48 કલાક દરમિયાન કોરોનાના વધુ પાંચ કેસો નોંધાયા છે, જ્યારે શહેરી વિસ્તારના એક વૃદ્ધ મહિલા દર્દીનું જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહથી કોરોના ના મામલે રાહત છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગોકુલનગર આવાસ વિસ્તારમાં રહેતા વિનુબા જીલુભા ઝાલા નામના 60 વર્ષના વૃદ્ધ મહિલા દર્દીનું આજે વહેલી સવારે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું, જેથી જામનગરમાં કોરોના મામલે ભયનો માહોલ છવાયો છે. વૃદ્ધ મહિલાની જામનગરના આદર્શ સ્મશાનમાં કોરોના ની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરી લેવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ માં કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા હોવાથી લોકોએ કોરોના ના મામલે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં કોરોના ના કેસ માં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શુક્રવારે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયા પછી જામનગર શહેરી વિસ્તારના શનિવારે બે અને રવિવારે ત્રણ મળી કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી શહેરીજનોએ સાવચેત રહેવું જરૂરી છે. જોકે ગ્રામ્ય વિસ્તાર રાહત છે, અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટિમ દ્વારા ગઈકાલે રવિવારે જામનગર શહેરમાં 627 કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા છે, અને અત્યાર સુધીના 5,88,570 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.
તે જ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 405 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 1032 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં કોરોનાના 6 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં 1 પોઝીટીવ દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યા છે. અન્ય 3 દર્દીઓને ઓક્સિજન મારફતે સારવાર અપાઈ રહી છે, ત્યારે અન્ય બે દર્દીઓ રૂમ-એર પર સારવાર હેઠળ છે. ઉપરાંત હાલ કોરોના ના શંકાસ્પદ એવા બે દર્દીને પણ ઓક્સિઝન ની મદદથી સારવાર હેઠળ રખાયા છે.
મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના ત્રણ દર્દીઓ ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર હેઠળ છે, અને ત્રણેય ની સર્જરી કરી લેવાયા પછી હાલ ઇન્જેક્શન મારફતે સારવાર ચાલી રહી છે.