કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોરોનાની એન્ટ્રી, આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- આરોપીના સંપર્કમાં રહેલા એક પોલીસ જમાદાર અને ગાર્ડ સહિતના છ પોલીસ કર્મચારીઓને ક્વૉરેન્ટાઈન કરાયા: તમામ ના સેમ્પલો લેવાશે
જામનગર, તા. 13 મે 2020, બુધવાર
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન એક આરોપીને 306ના ગુનામાં પકડવામાં આવ્યો હતો. અને તેનો કોરોનાવાયરસનો રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને શેનીટાઈઝ કરવામાં આવ્યું છે. જ્યારે આરોપીના સંપર્કમાં રહેલા છ પોલીસ કર્મચારીઓને કાલાવડમાં ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.આ ઉપરાંત તેઓ ના સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા વિજય દેવશીભાઇ ચૌહાણ નામના શખ્સને પરમ દિવસે 306ના ગુનામાં પકડવામાં આવ્યો હતો અને તેનો કોરોનાવાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ છે.
જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને શેની ટાઇઝ કરવા માટે ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અને જામનગર જિલ્લા પંચાયત ની આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા સમગ્ર કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને શેની ટાઇઝ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના બામણ ગામ ની બીટના જમાદાર પ્રફુલસિંહ જાડેજા સહિતના છ જેટલા પોલીસ કર્મચારીઓ કે જેઓ આરોપી ના સંપર્કમાં આવ્યા હતા. જે તમામ પોલીસ કર્મચારીઓ ને કાલાવડના સેન્ટરમાં ક્વૉરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ તમામ ના સેમ્પલો લેવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટૂકડી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં તેમજ બામણગામ માં આરોગ્ય વિષયક પગલાં ભરી રહી છે. પકડાયેલા આરોપી સાથે અન્ય બે આરોપીઓ પકડાયા હતા પરંતુ તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને તેઓને ક્વૉરેન્ટાઈન કરી દેવાયા છે.