જામનગરમાં PGVCL દ્વારા સ્માર્ટ વિજ મીટર ગ્રાહકની મંજૂરી વિના નહીં લગાવવા મુખ્યમંત્રીને રજૂઆત
Jamnagar PGVCL Smart Meter : જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકો ઘરમાં મુખ્ય વ્યક્તિ હાજર ન હોય તેવી પરિસ્થિતિમાં પણ નાના બાળકોની હાજરીમાં વિજ મીટર લગાવી દેવામાં આવે છે. જેની પૂરી જાણકારી ન હોવાથી અને રિચાર્જ કરવા સહિતની માહિતીના અભાવે વિજ ગ્રાહકોએ વીજ પુરવઠા થી વંચિત રહેવું પડે છે. જેથી ખાસ કરીને જામનગરના વોર્ડ નંબર-4 માં ગ્રાહકોની મંજૂરી વિના વિજ મીટર નહિ લગાડવા વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં ખાસ કરીને વોર્ડ નં.4, નવાગામ ઘેડમાં ગ્રાહકો અને લોકોની મંજુરી વગર સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે. અને જે અંગે કોઈપણ જાતની માહિતી આપવામાં આવતી નથી. જુનું મીટર કાઢીને ક્યાં લઇ જવામાં આવે છે, તેની માહિતી આપવામાં આવતી નથી. તેમજ હાલ સ્માર્ટ મીટરમાં કેટલું બેલેન્સ છે, કેટલો વપરાશ થયો છે, અને તેના કેટલા પૈસા તેની પણ કોઈ જાણકારી આપવામાં આવતી નથી.
તાજેતરમાં જ ભીમવાસમાં સોતા દીપકભાઈ ચકુભાઈ રાઠોડના ઘરના સભ્યો હાજર ન હોય, અને ફક્ત બાળકો ઘરમાં હોય અને જુનું મીટર કાઢી નવું મીટર લગાડી દીધેલુ છે, અને જેનું રીચાર્જ પણ મોબાઈલ દ્વારા એપ્લીકેશન સ્ટોર થતી ન હોય રીચાર્જ થયેલ નથી અને PGVCLની ઓફીસમાં બીલ ભરાતું નથી. જેના હિસાબે લાઈટ બંધ થઇ ગઇ છે. તો હવે આ વ્યક્તિને શું કરવું ? અને તેના માટે કોણ જવાબદાર ? માટે જ્યાં સુધી પબ્લિક ન ઇચ્છે ત્યાં સુધી સ્માર્ટ મીટર તેમના ઘરમાં નહીં વગાડવા માંગણી કરાઈ છે.
જેથી વોર્ડ નં.4 ના વસતા લોકોમાં હાલ ખુબ જ આક્રોશ હોય જેથી લોકોની અને ગ્રાહકોની પરમીશન વગર વીજ મીટર નાખવા નહિ અને જે સ્માર્ટ મીટર નાખેલા છે, તે કાઢી નાખવા અને ફરી પાછા જુના મીટર લગાડી આપવા વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, સ્થાનિક ધારાસભ્ય વગેરેને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.