જામનગરમાં પશુઓમાં ફેલાતા લમ્પિ વાયરસ મામલે તંત્રને ઢંઢોળવા ગૌ ભક્તો અને કોંગી કોર્પોરેટરનો પ્રયાસ
- હાથમાં બેનર પોસ્ટર રાખીને લાલબંગલા સર્કલમાં ધરણા પર બેસીને સૂત્રોરચાર કર્યા
જામનગર તા.26 મે 2022,ગુરૂવાર
જામનગરમાં પશુઓમાં લમ્પિ વાયરસ નો રોગ ફેલાયો છે, અને જેના કારણે રસ્તે રઝળતી અનેક ગાયો મોતને શરણે જઈ રહી છે, ત્યારે જામનગરના કેટલાક ગૌ ભક્તો અને કોંગી મહિલા કોર્પોરેટર દ્વારા પશુઓમાં વેક્સિનેશન કરાવવાની માંગ સાથે અને ગાયોને બચાવવાની માગણી સાથે ધરણાં યોજવામાં આવ્યા હતા, અને સૂત્રોચ્ચાર કરાયા છે.
જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે ૮૦થી ૯૦ના ગાયોના મૃત્યુ થયા નું જાણવા મળી રહ્યું છે, જ્યારે સરકારી ચોપડે માત્ર એક જ ગાયનું મૃત્યુ થયાનું જણાવાઈ રહ્યું છે. ઉપરાંત શહેરમાં રસ્તે રઝળતી અનેક ગાયો વાયરસનો ભોગ બનેલી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રસ્તે રઝળતી ગાયોમાં વેક્સિનેશન હાથ ધરવામાં આવે તે માટે અને તંત્રને જાગૃત કરવાના ભાગરૂપે જામનગરના કેટલાક ભક્તો ની સાથે વોર્ડ નંબર ૪ ના કોંગી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા લાલબંગલા સર્કલમાં ધરણા કરવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાના તંત્રની ઢીલી નીતિ નો વિરોધ કર્યો હતો.
જેઓએ પોતાના હાથમાં બેનરો રાખવી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં સુધી પશુઓમાં વેકસીનેશન કાર્ય પૂર્ણ કરી લેવામાં નહીં આવે, ત્યાં સુધી ધરણા અવિરત ચાલુ રાખવામાં આવશે તેવી પણ તંત્રને ચીમકી અપાઇ છે.
જામનગર શહેરમાં લમ્પિ વાયરસના ૨૧૭ કેસ જ્યારે જિલ્લામાં ૨૨૫ લમ્પિ વાયરસના કેસ જોવા મળ્યા છે, અને જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીના ૨,૬૬૫ ગાયોને વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાના એરિયામાં રસ્તે રઝળતી ગાયોને વેક્સિનેશન કરાયું ન હોવાના કારણે તેઓ બીમારીનો ભોગ બની રહી છે. આવી રસ્તે રઝળતી ગાયને મહાનગર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલીક અસરથી પકડી લઇ રસીકરણ કરવાની તાતી જરૂરિયાત છે, તેમ જણાવી ગૌ ભક્તો દ્વારા આંદોલન શરૂ કરાયું છે.