લાલપુર: મોટીરાફુદડ ગામમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર, મારામારી મા છને ઇજા
જામનગર, તા. 22 એપ્રીલ 2020, બુધવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં બે પાડોશીઓ વચ્ચે બારી ખુલ્લી રાખવા બાબતે તકરાર થઇ હતી, અને બંને પક્ષે સામસામે હુમલા કરાયા હતા જેમાં બંને પક્ષની મળી છ વ્યક્તિને નાની-મોટી ઇજા થઇ છે. આ બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી મોટીરાફુદડ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મનજીભાઈ પ્રેમજીભાઈ કટેશીયા એ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના અન્ય 3 સભ્યો ઉપર લોખંડના પાઈપ- ધોકા- લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ગોરધનભાઈ દામાભાઈ સોનગરા, પ્રદીપ ગોરધનભાઈ સોનગરા, હાર્દિક ગોરધનભાઈ સોનગરા, માંડણભાઈ રામાભાઇ સોનગરા, અને હેમરાજભાઈ દામાભાઈ સોનગરા વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોતાના ઘરની બારી પાડોશી ના ઘર પાસે ખુલતી હોવાથી તે બારી ખોલવા ના પ્રશ્ન એ બંને પરિવારો વચ્ચે તકરાર ચાલતી હતી, જે મામલે ગઈકાલે બંને પક્ષે ધીંગાણું થયું હતું, અને સામસામે હુમલો થયો હતો.
આ પ્રકરણમાં સામાપક્ષે પ્રદીપ ગોરધનભાઈ સોનગરા એ પોતાના ઉપર તેમજ પોતાના કાકા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશીઓ મનજી પ્રેમજી કટશિયા, દેવજી પ્રેમજી કટેશીયા, ગોકળભાઈ કરમણભાઈ કટેશીયા, મનીષ દેવજી કટેશીયા અને કલ્પેશ મનજી કટેશીયા સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષની સાંઈ ફરિયાદો નોંધી મોટીરાફુદડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.