ફાયર બ્રિગેડના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અંગે સરપંચ અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ
- મૂંગણી ગામની ગોચરની જમીનમાં આગ લાગવાથી ઠારવા માટે જતા ફાયર સ્ટાફ ને પિતા-પુત્રોએ માર મારી ધમકાવ્યા હતા
જામનગર, તા. 06 એપ્રીલ 2020, સોમવાર
જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગોચરની જમીનમાં ગઈકાલે આગ લાગી હતી અને જે આગ ઠારવા માટે ગયેલી સિક્કા થર્મલ પાવર સ્ટેશન ની ફાયર વિભાગની ટીમ ઉપર ,મૂંગણી ગામના સરપંચ અને તેના પુત્રએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા માટે મોડી શા માટે આવી તેમ કહી આ હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે સરપંચ અને તેના પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામ માં આવેલી (જીએસઇસીએલ) સીક્કા થર્મલ પાવર સ્ટેશન ના ફાયરબ્રિગેડ વિભાગ માં નોકરી કરતા નરેન્દ્રભાઇ પ્રાણજીવન ભાઈ આદ્રોજા એ પોતાની અને પોતાની સાથેના ફાયરબ્રિગેડના અન્ય કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી માર મારવા અંગે મૂંગણી ગામના સરપંચ મનુભા કંચવા અને તેના પુત્ર ચિરાગ મનુભા કંચવા સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસે આઇપીસી કલમ ૧૮૬,૩૩૨,૫૦૬-૨,૫૦૪ અને ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો છે. મૂંગણી ગામમાં ગઈકાલે બપોરે ચાર વાગ્યાના અરસામાં ગોચરની જમીનમાં આગ લાગી હતી. જ્યાં સિક્કા થર્મલ પાવર સ્ટેશન ની ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર લઈને આગ બુઝાવવા માટે પહોંચી હતી. ત્યારે આરોપી પિતા પુત્રએ તમે લોકો મોડા કેમ આવ્યા છો તેમ કહી ગાળો ભાંડી હતી. અને ઢિકાપાટું નો માર માર્યો હતો તેમજ ફાયર બ્રિગેડના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરતા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિક્કા પોલીસ આરોપી પિતા પુત્ર ને શોધી રહી છે.