હવામાન ખાતાની માવઠાની આગાહી પછી જામનગર શહેર-જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં નહિવત ઘટાડો: તાપમાન 13.5 ડિગ્રી
- સુસવાટા મારતા બર્ફીલા પવનની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં રાહત: વહેલી ભેજનું પ્રમાણ ઘટ્યું હોવાથી ઝાકળમાં પણ રાહત
જામનગર તા. 18
મોસમ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 20થી 22 તારીખ દરમિયાન ફરીથી માવઠું થાય તેવી આગાહી કરાયા પછી ઠંડીમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. જેના પગલે જામનગર શહેર અને જિલ્લામાં પણ સૂસવાટા મારતા પવન માં થોડી રાહત જોવા મળી છે. સાથોસાથ ઠંડીનો પારો પણ થોડા ઉપર સરકયો હોવાથી બેઠા ઠારમાંથી લોકોને થોડી રાહત મળી છે, અને ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઉપર સરકીને 13.5 ડિગ્રી સુધી પરત ફર્યો છે. ભેજનું પ્રમાણ પણ ઘટીગયું હોવાથી ઝાકળમાં પણ રાહત મળી છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પ્રતિ કલાકના 35થી 40 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, દરમિયાન મોસમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના અમુક ભાગોમાં આગામી તારીખ 20 થી 22 જાન્યુઆરી વચ્ચેના સમયગાળા દરમિયાન માવઠું થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને અનુસંધાને હવામાન ફરીથી પલટો આવ્યો છે. જો કે હાલ પૂરતો ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
જેના અનુસંધાને આજે સવારથી રાહત જોવા મળી છે, અને માત્ર 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તે જ રીતે ઠંડીનો પારો 10.0 ડિગ્રી આસપાસ રહ્યો હતો જે પણ ત્રણ ડિગ્રી સુધી ઉપર ચડીને વહેલી સવારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે. જેથી ઠંડીમાં પણ રાહત થઇ છે. ભેજના વધતાજતા પ્રમાણના કારણે વહેલી સવારે ઝાકળ વર્ષા થઇ રહી હતી, જેમાં પણ હવે રાહત છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13.5 ડીગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું ત્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 કિમીની ઝડપે રહી હતી.