કાલાવડ નજીક કોલસા ભરેલું ડમ્પર પલ્ટી જતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત, ક્લીનરને ઇજા
જામનગર, તા. 22 એપ્રીલ 2020, બુધવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ ની ગોલાઈ પાસે કોલસાનો પાવડર ભરેલું ડમ્પર અકસ્માતે ઉંધુ વળી જતા તેના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે, જ્યારે ક્લીનરને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર નજીક મોટીખાવડી માં એક ઓરડીમાં રહીને કોલસાનું બકેટ ડમ્પર ચલાવતો પ્રમોદ ધર્મદેવસિંઘ રાજપુત નામનો પાંત્રીસ વર્ષનો યુવાન ગઇકાલે પોતાના જીજે-3 બી.ટી. 6309 નંબરના બકેટ ડમ્પરમાં એસ્સાર કંપની માંથી કોલસા નો પાવડર ભરીને ક્લીનર ગણેશ મહાદેવભાઇ રાઉત ને સાથે બેસાડી ને રાજકોટ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન કાલાવડ નજીક ખંઢેરા ગામ ની ગોળાઈ પાસે એકાએક ડમ્પર પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ડમ્પર ચાલક પ્રમોદ રાજપુત ડમ્પર ની કેબીનમાં દબાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઉપરાંત ક્લીનર ગણેશ ને નાની-મોટી ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.