જામનગરમાં છરીનો ઘા ઝીંકીને કળયુગી પુત્ર દ્વારા પિતાની હત્યા
- ગુલાબનગર નજીક યોગેશ્વરનગર વિસ્તારમાં કરૂણાંતિકા
- દારૂનો આદતી પુત્ર કામ ધંધો કરતો ન હોવાથી વિહવળ પિતાએ ઠપકો આપતાં જ ખૂન, લોકડાઉન વચ્ચે'ય નાસી છૂટવામાં આરોપી કપાતર સફળ
જામનગર, તા.02 મે 2020, શનિવાર
જામનગર શહેરમાં યોગેશ્વરધામ વિસ્તારમાં ગઇકાલે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. નરાધમ પુત્રએ પિતા ઉપર છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર પ્રસરી છે. કામ ધંધો કરતો ન હોવાથી અને દારૂ પીવાની ટેવ હોવાથી પિતાએ ઠપકો આપતાં છરીના ઘા ઝીંકી દઈ પિતાની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
જામનગરમાં ગુલાબનગર નજીક યોગેશ્વરનગર શેરી નંબર ૨ માં રહેતા દ્વારકાદાસભાઈ કાનદાસભાઈ ગોંડલીયા નામના ૬૦ વર્ષના બુઝુર્ગ ઉપર તેના જ પુત્ર દિપક ઉર્ફે મુનિયો દ્વારકાદાસ ગોંડલીયા એ ગઈકાલે રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવતા ભારે અરેરાટી પ્રસરી છે. આ બનાવ અંગે ની જાણ થતા ભારે અફડાતફડી સર્જાઇ હતી.
હત્યારો આરોપી હુમલાની ઘટના પછી ત્યાંથી ભાગી છૂટયો હતો. આ અંગેની પોલીસને જાણ થતા સીટી એ. ડીવીઝન પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકને સૌપ્રથમ લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો અને બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતકની પત્ની મંજુલાબેન ગોંડલીયા એ પોતાના પતિની હત્યાના બનાવ અંગે સગા પુત્ર દિપક ઉર્ફે મુન્નો દ્વારકાદાસ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવતા સીટી એ. ડીવીઝન પોલીસે ગુનો નોંધી બનાવના સ્થળે પડેલી છરી કબજે કરી છે. જ્યારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પુત્ર દિપક કે જે કોઈ કામ ધંધો કરતો ન હતો અને દારૂ પીવાની ટેવવાળો હતો. અને ઘરમાં ઝઘડા કરતો હતો. જેથી પિતાએ ઠપકો આપતા ગઈકાલે રાત્રે ઉશ્કેરાઈ જઈ પિતા ઉપર છરી વડે હિચકારો હુમલો કર્યો હતો. મૃતક દ્વારકાદાસભાઈના પરિવારમાં વૃદ્ધ દંપતી ઉપરાંત ૩ પુત્રો છે. જેમાં એક પુત્ર અલગ રહે છે. અને આરોપી સહિતના બે પુત્રો તેની સાથે જ રહેતા હતા. જેઓ તમામ પરણેલા છે. અને બંને ના સંતાનો પણ છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.