જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારની પત્નીનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર, 21 નવેમ્બર 2021 રવિવાર
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં મુરલીધર સોસાયટીમાં રહેતી એક પરણિતાએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મુરલીધર સોસાયટી શેરી નંબર સાત માં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદાર રજનીભાઈ જયંતીભાઈ માલાણી પત્ની રેખાબેન રજનીભાઈ નામની 33 વર્ષની પરિણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ રજનીભાઈ જેન્તીભાઈ માલાણીએ પોલીસને જાણ કરતા સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પતિ રજનીભાઈ બ્રાસપાર્ટ નું કારખાનું ચલાવે છે. જયારે તેઓનો લગ્ન ગાળો દસ વર્ષનો છે, અને સંતાનમાં બે પુત્રીઓ છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા પોલીસ મથામણ કરી રહી છે.

