ધ્રોલ નજીક કાર અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલક ઇજાગ્રસ્ત બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કાર અને સીએનજી રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષાચાલક ઇજાગ્રસ્ત બન્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ધ્રોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ ધ્રોલના પાણાખાણ વિસ્તાર ખાતે રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય કરતા રજાકભાઈ નુરમામદભાઈ કમોરા (ઉ.વ. 50) પોતાની સીએનજી રિક્ષા (રજી.નં.જીજે-10-ટીડબલ્યુ-7540) લઈને ધ્રોલ ત્રિકોણબાગથી મુસાફરોને સગડીયા ગામે ઉતારી પરત ધ્રોલ આવી રહ્યા હતા.
તે દરમિયાન 19 મે, 2026ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે સુધાધુના ગામથી જાયવા ગામ તરફ જવાના માર્ગ પર, જાયવા ગામની ગોળાઈ પાસે પહોંચતા સામેથી આવતી કાર (રજી.નં.જીજે-03-એફકે-3910)ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રિક્ષાની જમણી બાજુએ જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતના પગલે રિક્ષા પલટી મારી જતા રજાકભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને પેટ તેમજ કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકે કારચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









