જામનગર-દ્વારકા જિ.ના લાભાર્થીઓને 1લી એપ્રિલથી અપાશે મફત અનાજ
- કોરોનાનાં પગલે સરકારની જાહેરાત અંતર્ગત
- 65850 રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી કાર્ડધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને નમકનું થશે વિતરણ
જામનગર, તા. 26 માર્ચ 2020,ગુરુવાર
જામનગર અને દ્વારકા જિલ્લાના ૬૫૮૫૦ રાશનકાર્ડ ધારકોને કોરોનાનાં પગલે સરકારની જાહેરાત અંતર્ગત ૧લી એપ્રિલથી વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને નમકનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૬૦ લાખ રેશનકાર્ડધારક પરિવારોના ૩ કરોડ ૨૫ લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે જેમાં વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રાશનકાર્ડ ધારક પરિવારોને અનાજ પૂરું પાડવામાં આવશે.
હાલમાં હાલારમાં જામનગર જિલ્લામાં કુલ રેશનકાર્ડ ધારકો ૪૪,૧૮૦ અને ૨ લાખ ૧૩ હજાર ૭૫૪ લાભાર્થીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેશનકાર્ડ ધારકો ૨૧, ૬૭૦ અને ૯૪ હજાર ૨૧ લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે.
આ સમયે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે વ્યવસ્થિત અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૂરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ય બની રહેશે. સાથે જ દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ, કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને, જો કોઈ દુકાનદાર સંગ્રહખોરી કરતાં જણાશે તો તેમના પર કડક પગલાં લેવામાં પણ આવશે.