જામનગર જિલ્લાના 6 માર્કેટીંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા બંધ
- જાહેર કરાયેલા લોકડાઉન-૩ના પગલે
- હાપા યાર્ડમાં માત્ર શાકભાજી અને ફળોની વહેલી સવારે હરાજી કરવામાં આવશે
જામનગર, તા. 9 મે, 2020, શનિવાર
જામનગર જિલ્લામાં ગઈ કાલ રાત્રિથી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરાયું છે, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તેમજ કાલાવડ, ધ્રોલ, લાલપુર અને જામજોધપુર સહિત તમામ છ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા આજથી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જામનગરના માર્કેટિંગ યાર્ડમાં સવારે ૪ થી ૯ વાગ્યા સુધી શાકભાજી અને ફળોની હરાજીની પ્રક્રિયા જ હાથ ધરાશે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસોની સંખ્યા વધી જવાથી જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, અને જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાગે કરાયું છે, ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, અને તમામ ખેડૂતોએ પોતાના માલસામાનને લઈને આવવા પર રોક લગાવી છે. આગામી ૧૭મી મે સુધી સંપૂર્ણ હરાજીની પ્રક્રિયા ઓ બંધ રાખવામાં આવશે. સાથો સાથ ટેકાના ભાવે ખરીદી પણ નહીં થઈ શકે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ઉપરાંત કાલાવડ માર્કેટિંગ યાર્ડ, ધ્રોલ,જોડિયા, જામજોધપુર અને લાલપુર ના માર્કેટિંગ યાર્ડ માં પણ આજથી હરાજીની પ્રક્રિયા બંધ રાખવામા આવી છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સવારે ૪ વાગ્યાથી નવ વાગ્યા સુધી શાકભાજી,ફ્ટ તેમજ ડુંગળી બટેટા સહિત ની ચીજવસ્તુઓની હરાજીની પ્રક્રિયા અવિરત ચાલુ રખાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.