જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામમાં જમીનના પ્રશ્ને પિતા-પુત્ર ઉપર હુમલો
જામનગર, તા. 11 મે 2020, સોમવાર
જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. ખેતીની જમીનની બાજુની ખરાબાની જગ્યામાં ખોદકામ કરવાના પ્રશ્ને તકરાર થયા પછી આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામમાં રહેતા કાનાભાઈ રાજાભાઈ રાતડીયા નામના 38 વર્ષના ખેડૂત યુવાને પોતાના ભાઈ થોભણભાઇ તેમજ પિતા રાજાભાઈ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે તેમજ લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેજ ગામમાં રહેતા હરદેવસિંહ ખેંગ઼ારસિંહ જાડેજા, બૉઘૂભા ખેંગારજી જાડેજા, હિંમતસિંહ હરદેવસિંહ જાડેજા અને કિશોરસિંહ હરદેવસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીનો ભાઈ અને પિતા વગેરે આરોપીની વાડીની બાજુમાં જ સરકારી ખરાબાની જગ્યામાં ખોદકામ કરતા હતા જે આરોપીઓને પસંદ નહિ પડતા આ હુમલો કરાયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. પંચકોશી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ આ મામલે વધુ તપાસ ચલાવે છે.