પાણીનું ટેન્કર આવી પહોંચતા દરેડ ગામે લોકોનાં ટોળા ઉમટયાં : તંત્રને દોડધામ
- દરેડ ગામને સિલ કરી ઘરની બહાર નહી નિકળવાની તાકીદ કરી હોવા છતાં
- જો કે થોડી જ વારમાં પોલીસે મામલો થાળે પાડી લોકોને સલામત અંતરે ગોઠવી લાઈન કરાવવી પડી
જામનગર, તા.08 એપ્રિલ 2020,બુધવાર
જામનગર તાલુકાના દરેડ ગામમાં કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ આવ્યા પછી દરેડ ગામને સીલ કરાયું છે, ત્યારે ગામવાસીઓ ને આજે પાણીની જરૂરીયાત હોવાથી વહેલી સવારે પાણીનું ટેન્કર આવ્યું હતું, ત્યારે લોકો પાણી ભરવા માટે એકઠા થઇ જતા તંત્રની દોડધામ વધી ગઇ હતી. જો કે પોલીસે મામલો થાળે પાડી લોકોને સલામત અંતરે ઉભા રાખી લાઈન કારવી હતી.
હાલ દરેડ ગામમાં કોરોનાવાયરસ ના સંક્રમણને ધ્યાનમાં રાખીને સમગ્ર ગામને સીલ કરાયું છે અને લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે, છતાં પાણી ભરવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારે લોકો એકત્ર થઇ ગયા હોવાથી વહીવટી તંત્રની દોડધામ વધી ગઇ હતી. જોકે થોડી વારમાં જ પોલીસ તંત્રએ મામલો થાળે પાડયો હતો. અને લોકોને મીટરના અંતરે જવા માટે ઊભા રાખી દીધા હતા.
આ ઉપરાંત દરેડ ગામ અને મસીતીયા ગામે મોટાભાગના શ્રમિક પરિવારો રહેતાહોવાથી તંત્ર દ્વારા ૧,૦૦૦ રાસન ની કીટ મોકલી દેવામાં આવી હતી. અને પોલીસ તંત્રની મદદથી પ્રત્યેક લોકોના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. ગઈકાલે દરેડ વિસ્તારમાં દુકાનો તેમજ દૂધ અને દવાની દુકાનો બંધ હતી જે આજે ખુલ્લી રાખી દેવામાં આવી છે. અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે તમામ દુકાનદારોને પણ સૂચના આપી દેવામાં આવી છે.