Get The App

જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ તંત્ર એ દારૂ અંગે અડધો ડઝન સ્થળે દરોડા પાડયા

- કાલાવડ તાલુકાના ગુંદા ગામમાંથી 110 નંગ અને જામનગરના એક રહેણાંક મકાનમાંથી 60 નંગ દારૂની બાટલી નો જથ્થો પકડાયો

Updated: Dec 28th, 2021

GS TEAM


Google News
Google News
જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ તંત્ર એ દારૂ અંગે અડધો ડઝન સ્થળે દરોડા પાડયા 1 - image


જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર શહેર અને જિલ્લામાં ન્યુયરની પાર્ટી મનાવવા માટે દારૂના પ્યાસી આત્માઓ માટે દારૂ ના જથ્થાની હેરફેર સામે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને ગઈકાલે શહેર અને જિલ્લામાં અડધો ડઝન સ્થળોએ દારૂ અંગે દરોડા પાડયા છે. કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં એક રહેણાંક મકાનમાં ઉતારવા માં આવેલો 110 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, જ્યારે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 60 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો પકડાયો છે. જોકે બંને મકાનમાલિક ભાગી છૂટયા હોવાથી તેને ફરારી જાહેર કરાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં આગામી 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ નું વેચાણ કરવા માટે કેટલાક દારૂના ધંધાર્થીઓ સક્રિય બન્યા હોવાની માહિતીના આધારે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું, અને ઠેર-ઠેર દારૂ અંગે દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને ચેકિંગ હાથ ધરાયું છે.

જે દરમિયાન ગઈકાલે કાલાવડ તાલુકાના ગુંદા ગામ માં દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમી પરથી કાલાવડ પોલીસે ગુંદા ગામ માં પહોંચી જઈ ત્યાં રહેતા વિરમદેવસિંહ ઉર્ફે પીન્ટુભા અનોપસિંહ જાડેજા નામના શખ્સના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની 110 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ કબજે કરી લીધો છે. જ્યારે મકાન માલિક વિરમદેવસિંહ ભાગી છૂટયો હોવાથી પોલીસ દ્વારા તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાંથી ભરત રવજીભાઈ પરમાર નામના શખ્સને ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડયો છે, જ્યારે દિગઝામ મિલ ની ચાલી વિસ્તારમાં રહેતા કનૈયા વિનોદભાઈ નામના વાણંદ શખ્સને પણ ઇંગ્લિશ દારૂ સાથે પોલીસે પકડયો છે.

જામનગરના શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા રાજેશ જેન્તીભાઈ ઝાલા નામના શખ્સના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની 60 નંગ ઈંગ્લિશ દારૂ ની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે. આ દરોડા સમયે પણ રાજેશ ઝાલા ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરાઇ છે.

જામનગરમાં શરૂસેકશન રોડ પરથી દિપક કબીરસિંગ રાજપૂત નામનો નેપાળી શખ્સ પોતાની કારમાં ઇંગ્લીશ દારૂનો નશો કરીને નીકળતાં પોલીસે તેની અટકાયત કરી લઇ કાર કબજે કરી છે.

Tags :