Get The App

જામનગરના પોલીસ વિભાગની સરાહનીય કામગીરી

- લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ શાકભાજી- કરિયાણું- દૂધ ઘરે પહોંચાડવા કાર્યવાહી

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરના પોલીસ વિભાગની સરાહનીય કામગીરી 1 - image

જામનગર, તા. 05 એપ્રીલ 2020, રવિવાર

જામનગર શહેરના પોલીસ વિભાગ દ્વારા આજે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. લોકો વિના કારણે ઘરથી બહાર ન નીકળે ઉપરાંત પ્રત્યેક રહેવાસીઓને પોતાની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અનાજ-કરિયાણું શાકભાજી અને દૂધ- દહીં વગેરે ઘેર બેઠા મળી શકે તે માટે પોલીસ દ્વારા જ જુદા જુદા વાહનો દોડતા કરાયા છે, અને લોકોને પોતાના ઘેર નહીં નફો, નહીં નુકસાનના ધોરણે તમામ ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને સુંદર આવકાર મળી રહ્યો છે.

જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા શહેરની પ્રજા વિના કારણે બહાર ન નીકળે, ઉપરાંત તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘેર બેઠા મળી રહે તે માટેનું આયોજન કરાયું છે. જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આ પ્રકારની સુવિધા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે અને સીટી-એ ડિવિઝનના તમામ વિસ્તારોમાં સવારે નવથી રાત્રિ સુધી આ સુવિધાનો લાભ સતત લોકોને મળી રહેશે. ઉપરાંત જે તે વાહનોમાં સેવાભાવી કાર્યકરો દ્વારા માઇક દ્વારા જાહેરાત કરી લોકોને જરૂરી સામાન પહોંચાડી રહ્યા છે.

જામનગરના પ્રો. ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈ અને સીટી-એ ડિવિઝનના પીઆઇ ટી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અન્ય પોલીસ સ્ટાફની મદદથી શહેરના આઠ જેટલા સેવાભાવી કાર્યકરોની ટીમ બનાવાઇ છે. અને 2 છોટા હાથી, તથા એક ઓટોરિક્ષા સહિતના ત્રણ વાહનોમાં શાકભાજી, અનાજ કરીયાણુ અને દૂધ- દહીં- છાશ વગેરે નિર્ધારિત હોલસેલની દુકાનેથી ખરીદ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક છોટા હાથીમાં શાકભાજી એકત્ર કરવામાં આવ્યું છે. અને છોટા હાથી ના ચાલક અને બે સહાયકો ની મદદથી શહેરના સમગ્ર સી ટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાકભાજી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે વાહનમાંથી માઇક દ્રારા લોકોને ઘેર બેઠા શાકભાજી મળી રહે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. સાથોસાથ અન્ય એક વાહનમાં અનાજ કારીયાણા સહિતની અલગ અલગ વસ્તુ જથ્થાબંધ ભાવ મુજબ ખરીદ કરીને રાખવામાં આવી છે અને તે પણ નહિ નફો, નહિ નુકસાનના ધોરણે શેરી ગલીઓમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત એક ઓટો રીક્ષા માં દૂધ- દહીં અને છાશ ની વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને લોકોને ઘેર બેઠા આ સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેને સમગ્ર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. પોલીસની આ સરાહનીય કામગીરીને જન સમર્થન મળી રહ્યું છે.
Tags :