જામનગર પોલીસ દ્વારા "જન સારથી" એપ્લિકેશન મારફતે વધુ એક આવકારદાયક પગલું
- લોકોને ઓનલાઈનથી જીવન જરૂરિયાતની વસ્તુ ઘેર બેઠા મળી રહે તે માટેની એપ્લિકેશન લોન્ચ કરાઈ
જામનગર, તા. 11 એપ્રીલ 2020, શનિવાર
દેશભરમાં હાલ કોરોનાવાયરસ ના સંક્રમણને લઈને લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જામનગર પોલીસ દ્વારા લોકોને પોતાની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઘેર બેઠા ઓનલાઇન ના માધ્યમથી મળી રહે તેના ભાગરૂપે "જનસારથિ" એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
જે એપ્લિકેશન મારફતે લોકોને હોમ ડીલેવરી મારફતે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ મેડીકલ સહાય મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે એપ્લિકેશન લોન્ચ કરીને લોકોએ તેનો ઉપયોગ કરવા અને પોતાની જરૂરિયાતો ની ચીજ વસ્તુઓ ઘેર બેઠા મેળવી લેવા માટે અનુરોધ કરાયો છે.
જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમજ પ્રોબેશનલ એ.એસ.પી સફીન હસન દ્વારા જામનગર શહેરની જનતા માટે "જન સારથી" એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન http://jansarthi.in પરથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાશે.
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી કોઈપણ વ્યક્તિ હોમ ડિલિવરી ની ચીજ-વસ્તુઓ જેવી કે શાકભાજી, ફળો અને દવાઓ વગેરે પોતાના નજીકના વિક્રેતાઓને ત્યાં થી મોબાઇલ ફોન પર નોંધાવીને મેળવી શકશે. જે નોંધાયેલા ઓર્ડર જે તે દુકાનદાર દ્વારા પોલીસે અધિકૃત કરેલા હોમ ડિલિવરી એજન્ટ મારફતે ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત મેડિકલ ચેકઅપ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરના કોઇપણ વ્યક્તિને સ્વાસ્થ્ય ચકાસણી કરાવવી હશે અથવા આસપાસના માણસોને કોરોના સંબંધિત લક્ષણો દેખાતા હોય તો તુરંત તંત્રને જાણ કરવાની રહેશે જેમાં કોલ (હેલ્પલાઇન નંબર)- મેસેજ રીક્વેસ્ટ અથવા વિડીયો રિક્વેસ્ટ કરીને (વીડિયો રેકોર્ડ કરી ને અપલોડ) મોકલી આપવા સૂચન કરાયું છે.
આ ઉપરાંત પ્રાથમિક જરૂરીયાત અને અન્ય મદદ માટે પણ આ એપ્લિકેશન નો સંપર્ક સાધી શકાશે. જામનગરના વિસ્તારમાં પાણી, વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાત ન મળતી હોય તો લોકો ને અસંતોષ ફેલાઈ શકે છે. જેથી જો મહાનગર પાલિકા ના તંત્ર દ્વારા આ સેવાઓ સમયસર પહોંચી ન હોય તો એપ્લિકેશનથી લોકો પોલીસને ફોટો, વિડીયો અથવા તો ટેક્સ સ્વરૂપે મેસેજ કરી શકશે.
શ્રમિકો અને પરપ્રાંતિયૉ માટે પણ મદદ અને રિપોર્ટિંગ કરવા આ એપ્લિકેશન મારફતે વ્યવસ્થા થાય છે. જામનગરમાં પરપ્રાંતીયો અને શ્રમિકો દ્વારા થતા સ્થળાંતરના ફોટો ને લઈને રિપોર્ટ કરી શકાશે. અને એના લોકેશનના આધારે પોલીસ તરત પગલાં લઇ શકશે. આ ઉપરાંત કોઈપણ ફેક્ટરી માલિક દ્વારા કામદારોનું ધ્યાન રાખવામાં નહીં આવતું હોય તો તેઓનું પણ રિપોર્ટિંગ કરી શકાશે.
સાથોસાથ શેલ્ટર હૉમ્સની લોકેશન અને મેપિંગ, કોરોના હોટસ્પોટ મેકિંગ, નોટિફિકેશન વગેરે સુવિધાઓ નો પણ સમાવેશ કરાયો છે. હોમડિલિવરી આપવા માટે રસ ધરાવતા વેપારીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. પોલીસના ઇન્ટરફેસ દ્વારા કોરોન્ટાઈન થયેલા લોકોના લોકેશન મોનીટરીંગ કરવામાં આવશે. તથા લોકો તરફથી આવતી ફરિયાદ અને ફીડબેક દ્વારા ત્વરિત પગલાં પણ ભરવામાં આવશે. જેથી તમામ જામનગરવાસીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવા તેમજ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘેર બેઠા મળી રહે તે માટે એપ્લીકેશન નો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.