જામનગર નજીક ચેલા એસઆરપી કેમ્પમાં રહેલા વધુ 41 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 23નો થયો: જે પૈકી બેના મૃત્યુ
જામનગર, તા. 9 મે 2020 શનિવાર
જામનગર નજીક ચેલા એસ.આર.પી. કેમ્પમાં ક્વૉરેન્ટાઈન થઈને રહેલા 46 વર્ષીય વધુ એક પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જામનગર જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો 23ને પાર પહોંચ્યો છે. જે પૈકી બે બાળકોના મૃત્યુ નિપજયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોના મામલે એકાએક વિસ્ફોટ થયો હતો અને સવારથી સાંજ સુધીમાં એકી સાથે 14 જેટલા કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. ત્યાર પછી મોડી રાત્રે પેન્ડિંગ રખાયેલા સેમ્પલ પૈકી ચેલાના એક દર્દીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જામનગર તાલુકાના ચેલા ગામના એસ.આર.પી. કેમ્પમાં કેટલાક જવાનોને ક્વૉરેન્ટાઈન કરીને રખાયેલા છે, જે પૈકી 46 વર્ષના એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જેને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 23ની થઈ છે. જે પૈકી બે બાળ દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જ્યારે બાકીના તમામ દર્દી સારવાર હેઠળ છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં 700 બેડની કોવિડ-19 ની હોસ્પિટલ તૈયાર રખાયેલી છે. જેમાં તમામની સારવાર ચાલી રહી છે.