જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના એક ખેડૂત વૃદ્ધને સાધુના સ્વાંગમાં શેતાનની ટોળકીનો ભેટો થયો
બીમાર પત્ની અને પુત્રની સારવાર તેમજ કરોડો રૂપિયા બનાવી આપવાની લાલચે ત્રણ સાધુ સહિતના પાંચ શખ્સોએ 1.28 કરોડ પડાવી લીધાની ફરિયાદ
જામનગર, તા. 26 માર્ચ 2023 રવિવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના એક ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. પોતાના બીમાર પત્ની અને પુત્રની સારવાર માટે તેમજ એકના ડબલ બનાવી દેવાની લાલચ આપીને એક કરોડ ૨૮ લાખ જેટલી માતબર રકમ અને સોનું પડાવી લઇ છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચર્ચા જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના ૬૭ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાની સાથે છેતરપિંડી કરી ૧,૨૮,૭૧,૫૦૦ ની રોકડ રકમ સહિતની માલમતા પડાવી લેવા અંગે બોલેરો કારમાં સાધુના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સો સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સાધુના સ્વાંગમાં આવેલા શખ્સ કે જેણે સૌ પ્રથમ ફરિયાદીના પત્ની અને પુત્ર કે જેઓ બીમાર હોવાથી તેઓની બીમારી દૂર કરવા માટેની જડીબુટ્ટી આપવાનું બહાનું કરી તેઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ તેઓને ચમત્કાર ના માધ્યમથી એકના ડબલ સહીત કરોડો રૂપિયા બનાવી આપશે તેવું પ્રલોભન આપીને ખેડૂત બુઝુર્ગ પાસેથી કટકે કટકે ૮૭,૧૪,૦૦૦ જેટલી રકમ પડાવી લીધી હતી.
એટલું જ માત્ર નહીં ૮૩ તોલા સોનાના દાગીના કે જેને કીમત ૪૧,૫૭,૫૦૦ જેટલી થવા જાય છે. જે સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, અને તેની પત્ની તથા પુત્ર કે જેની બીમારીમાં કોઈ ફેર પડ્યો ન હતો, તેમ જ કરોડો રૂપિયા બનાવવાની લાલચ આપી હતી, પરંતુ એક પણ રૂપિયો પરત મળ્યો નહોતો અને ખેડૂત સંપૂર્ણપણે સાફ થઈ ગયા હતા.
આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયો છે, અને બોલેરો માં આવેલા સાધુ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર પોલીસે ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૩૯૪,૧૨૦-બી, અને ૫૦૬ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.