જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાય તમામ સારવાર બંધ
- દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરાશે, ઓપરેશનો પાછા ઠેલાયા
- કોરોના માટેની રાજયની બે પૈકીની એક લેબ ધરાવતી હોસ્પિટલમાં તબીબો ઉપર કામનું ભારણ વધતા લેવાયેલો નિર્ણય
જામનગર, તા. 21 માર્ચ 2020, શનિવાર
જામનગરની અતિ ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજથી કોરોના ના ભયને કારણે ફક્ત ઈમરજન્સી ઓપરેશનો સિવાય બાકીની તમામ સારવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ જી જી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. જરૂરી નહોય તેવા અમુક ઓપરેશનો પણ પાછા ઠેલવામાં આવ્યા છે.
જામનગરની સરકારી જી.જી હોસપીટલ કે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં રાજ્યની ૨ પૈકીની ગુજરાતની કોરોના માટેની લેબ પણ આવેલી છે ત્યારે હોસ્પિટલના તબીબો પર કામનું ભારણ વધ્યું છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જી.જી.હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી.જી.હોસ્પિટલમાં આજથી ફક્ત ઈમરજન્સી ઓપરેશન તથા ફેમિલી પ્લાનિંગ, તેમજ સ્કિન, ઓપીડી ની ઈમરજન્સી સિવાયની અન્ય સેવાઓ કે જે તમામ સેવાને નોન ઇમર્જન્સીમાં ગણીને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ઉપરાંત અન્ય જુદાજુદા વોર્ડના ઇન્ચાર્જ તબીબને જાણ કરી દેવામાં આવી છે. જી.જી.હોસ્પિટલમાં હાલમાં જે દર્દીઓને તાત્કાલિક જરૂરી ન હોય તેવા ઓપરેશનને પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાથોસાથ જી જી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જે દર્દીઓ ઘરે પણ સારવાર લઈ શકે તેવા તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે અને અન્ય કોઈ મહામારીનો સામનો કરવા ની સ્થિતિ પેદા થાય તો તેના માટે હોસ્પિટલ ના તમામ વોર્ડ તૈયાર રખાશે. જામનગરની જી.જી હોસપીટલ માટે સરકાર દ્વારા નાયબ કલેકટર સોલંકીને વધારાનો આરોગ્ય નો હવાલો સોંપવામાં આવ્યો છે. અને તેની દેખરેખ હેઠળ હોસ્પિટલની તમામ કાર્યવાહી ચાલુ રખાશે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રતિદિન ૩ હજારથી વધુ દર્દીઓની આવન-જાવન થાય છે ક્યારેક તો અલગ અલગ ઓપીડીમાં એક હજારથી બારસો દર્દીઓ દવા લેવા આવે છે અને તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે.
પરંતુ હવે આજથી ફક્ત ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હોવાથી જામનગર શહેરના દર્દીઓ તેમજ બહારગામથી આવતા દરદીઓ કે જેઓને ઈમરજન્સી સારવારની જરૂર ન હોય તેઓએ જી.જી.હોસ્પિટલમાં હાલ નહીં આવવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.