જામનગર શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ વોલ પેઇન્ટિંગ વોર પછી મામલો વધુ ગરમાયો
- ભાજપ અને કોંગ્રેસના બન્ને શહેર પ્રમુખ દ્વારા વોલ પેઈન્ટિંગ વોર મામલે સામસામી પ્રતિક્રિયા અપાઈ
- કોંગ્રેસ દ્વારા ઉતરટી કક્ષાની માનસિકતા ના દર્શન કરાવાયા- શહેર ભાજપ પ્રમુખ
- ભાજપ દ્વારા દિવાલની રાજનીતિ ને બદલે રોડ થી રસ્તા ની મોંઘવારી ની વાત કરે - યુવક કોંગ્રેસ પ્રમુખ
જામનગર તા 23 એપ્રિલ 2022,શનિવાર
જામનગર શહેરમાં જુદી જુદી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર માટેના વોલ પેઇન્ટિંગ ના મુદ્દે મામલો ગરમાયો હતો, અને એક પાર્ટીમાં સિમ્બોલ ની બાજુમાં બીજી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવતા સૂત્ર સાથે ના સિમ્બોલ લગાવવા તેમ જ કમળ ના સિમ્બોલ પર શાહી ફેંકવા જેવા મુદ્દે રાજકારણ ગરમાયું હતું, અને સામસામા આક્ષેપો થઈ રહ્યા છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના પ્રમુખ દ્વારા વળતી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જેને લઇને જામનગર શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કમળ પર શાહી ફેંકવાના મુદ્દે ભાજપના શહેર પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.
જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ની દિવાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં શહેર ભાજપ દ્વારા પ્રચાર-પ્રસારના ભાગરૂપે કમળના સિમ્બોલ સાથેના વોલ પેઈન્ટિંગ શરૂ કરાયા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા વળતો પ્રચાર કરાયો હતો, અને કમળ ના સિમ્બોલ ની બાજુમાં જ રાંધણ ગેસનો બાટલો દોરી ને તેમાં ૩૫૦ ના ભાવના ૯૫૦નું પેઇન્ટિંગ કરાયું છે. એટલું જ માત્ર નહીં અમુક સ્થળે કમળના નિશાન પર કાળી શાહી ફેંકવામાં આવી અને કમળ ના સિમ્બોલ ભૂંસવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.
જેને લઇને જામનગર શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે જામનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા દ્વારા તિખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, અને જામનગર શહેર કોંગ્રેસના કાર્યકરો હતાશ થયા છે, અને તેઓની હલકી માનસિકતા છતી થઇ રહી છે, તેવો આક્ષેપ કરીને કમળ પર શાહી લગાવનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ કરવામાટેની પ્રક્રિયાઓ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
સાથોસાથ કોંગ્રેસ ના બાટલા ના સિમ્બોલ સંદર્ભે વધુમાં જણાવ્યા મુજબ રાંધણ ગેસના બાટલા કે જે ભારતના વડાપ્રધાને મહિલાઓને આપ્યા છે, ઉપરાંત એંસી કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજ ઉપરાંત ૧૯૦ કરોડ લોકોને વેક્સિનેશન જેવા મુદ્દાઓ કોંગ્રેસને દેખાતા નથી, પરંતુ આવા મુદ્દાને લઈને વિરોધ દર્શાવી પોતાની માનસિકતા દર્શાવી રહ્યા છે, અને હતાશા અનુભવે છે. અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે, અને આ વખતે સંપૂર્ણ સાફ થઈ જશે, તેવું પણ જણાવ્યું છે.
જેના પછી શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) દ્વારા પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, અને શહેર ભાજપ માત્ર દિવાલ ની રાજનીતિ કરે છે, જ્યારે શહેરની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે. કોંગ્રેસના શાસનમાં ૩૫૦ રૂપિયા નો બાટલો કે હાલ ૯૫૦ રૂપિયાનો મળે છે. રસોડાથી રોડ સુધી ની રાજનીતિ કરવાની જરૂર છે. શાકભાજી મોંઘા થયા છે. તેલનો ડબ્બો માત્ર ૧૨૫૦નો હતો, જે આજે ૨,૭૦૦ રૂપિયાનો થયો છે.
આવી કાળઝાળ મોંઘવારી ભાજપને દેખાતી નથી, અને માત્ર દિવાલ ની રાજનીતિ કરે છે. જ્યારે કમળના નિશાન પર સાહી ફેંકવાના મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું, કે મોંઘવારીથી ત્રસ્ત પીડિત એવી કોઈ પ્રજા અથવા તો જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી સહિતના અન્ય કોઈ વિપક્ષી કાર્યકરો કે જેઓએ આ શાહી ફેંકી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હોય તેમ જણાવ્યું છે.
હજુ વિધાનસભાની ચૂંટણી ની જાહેરાત થવાની બાકી છે. પરંતુ જામનગર શહેરના રાજકારણમાં અત્યારથી જ ભારે ગરમાવો આવ્યો છે, અને ગરમીની મોસમમાં રાજકીય ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે.