જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર SRPના ડીવાયએસપીની ટાટાસુમો અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત
- જામનગર તાલુકાના ઢિચડાના બાઈકચાલકનું ટાટા સુમો ની ઠોકરે કરૂણ મૃત્યુ
જામનગર, તા. 16 મે 2020 શનિવાર
જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતા શિવાજી રામપ્રસાદ મિશ્રા (ઉંમર વર્ષ 52) પોતાનું મોટરસાયકલ લઈને ગત સાંજે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ નજીકથી પસાર થઇ રહ્યા હતા અને એકાએક ડિવાઇડર કુદાવીને ક્રોસ કરવા જતા ત્યાંથી પસાર થઈ રહેલી ઘંટેશ્વર એસ.આર.પી ના ડીવાયએસપીની ટાટા સુમો કાર સાથે બાઈક ટકરાઈ ગયું હતું.
જે ગમખ્વાર અકસ્માતમાં બાઇકનો ચાલક અથડાઈ પડવાથી ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. અને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમ જીજી હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. એસ.આર.પી. ગ્રુપ ને ટાટા સુમોમાં બેઠેલા અધિકારી તથા ડ્રાઈવર સહિતના અન્ય કોઇ ઇજા થઇ ન હતી.