જામનગરના દરેડ જીઆઇડીસી ફેઈઝ-૩માં બ્રાસની એક ભઠ્ઠીમાં અકસ્માતે આગ
- ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ થયા પછી આગ લાગતાં ફાયર બ્રિગેડે દોડી જઇ સમયસર આગને કાબુમાં લીધી
જામનગર, તા. 19
જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેઈઝ-૩ માં આવેલઈ એક બ્રાસ ની ભઠ્ઠીમાં ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી, અને ઈલેક્ટ્રીક ની પેનલ તથા બ્રાસ-કોપર-ઝિંક સહિતની ધાતુનો ભંગાર સળગી ઉઠયો હતો. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકના દરેડ જીઆઇડીસી ફેસ થ્રી માં આવેલા ઇન્દુ એકસ્ટ્રુજન પ્લાન્ટ નામની બ્રાસ ની ભઠ્ઠીના એકમમાં ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યા પછી અકસ્માતે આગ લાગી ગઈ હતી. ઇલેક્ટ્રિક ની પેનલ માં સૌપ્રથમ શોર્ટ સર્કિટ થયા પછી આગની મોટી જવાળાઓ ઉઠી હતી. જેથી દોડધામ થઇ હતી.
આગના આ બનાવ અંગે કારખાનેદાર અર્પિતભાઇ જવાહરભાઈએ ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને સમયસર બુઝાવી દીધી હતી. જેના કારણે બ્રાસ ના ભંગાર તેમજ જસત ધાતુ ના કોથળા તથા અન્ય મટીરીયલ સળગતાં અટક્યું હતું.