જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા વચ્ચેનો હાઈવે રોડ રક્તરંજિત બન્યો
- મજોઠ ગામના બે શ્રમિકો રોંગ સાઇડમાં આવી ડમ્પર સાથે ટકરાતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ
જામનગર, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહી મજૂરીકામ કરતા દિલીપભાઈ ગનીયાભાઈ માવલા આદિવાસી (ઉં. વ.૩૩) તેમજ સુરબાન ઉર્ફે ભાયો રાયસિંગ પસાયા (ઉંમર વર્ષ ૩૨) કે જેઓ ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં જોડિયા તાલુકાના લખતર ગામના પાટીયા પાસે કાચા રસ્તેથી એક બાઈકમાં બેસીને મુખ્ય રોડ પર આવી રહ્યા હતા.
જે બન્ને રોંગ સાઇડમાં આવી ને ત્યાંથી પસાર થઇ રહેલા GJ10 TX0548 નંબરના ડમ્પર સાથે ટકરાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક દિલીપભાઈ અને પાછળ બેઠેલા સૂરબાન બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતા જોડીયાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારને અકસ્માતના બનાવની જાણ થવાથી નાના એવા મજોઠ ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
અકસ્માતના બનાવ અંગે ડમ્પરના ચાલક ધ્રોલમા જેસલપીર ની દરગાહ વિસ્તારમાં રહેતા મુકેશ દેવાભાઈ વરુએ પોલીસ મથકમાં પોતાના ડમ્પર સાથે રોંગ સાઇડમાં આવી અકસ્માત સર્જવા અંગે બાઇકના ચાલક દિલીપ આદિવાસી સામે ફરિયાદ નોંધાવી છે. જોડીયા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.