જામનગર: કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, ચાલક મહિલાનુ ઘટના સ્થળે મોત, બેને ઇજા
જામનગર, તા 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જામનગરની ભાગોળે એક્ટીવા સ્કુટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતીનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની પુત્રી સહિત અન્ય એક મહિલાને ઇજા થવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
આ અકસમાતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતી રીનાબેન જોગિન્દર વર્મા નામની 30 વર્ષની યુવતી કે જે જામનગરના વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં સીએ હાઉસ ઓફિસમાં ફરજ બજાવે છે. તેણીની એક સહ કર્મચારી સુરભીબેન અતુલભાઇ મજીઠીયાને અમદાવાદમાં સી.એ. તરીકે નોકરી મળી જતાં જામનગરની ભાગોળે આવેલી એક હોટલમાં બંને બહેનપણીઓ જમવા માટે ગઈ હતી. જેમાં રીના બહેને પોતાની અઢી વર્ષની પુત્રી પીહુને પણ સાથે રાખી હતી.
જ્યાંથી સ્કૂટર પર બેસીને પરત આવતી વખતે નાઘેડી ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલી એક કારના ચાલકે એક્ટીવા સ્કુટર ને ટક્કર મારી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીનાબેન વર્મા ને ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે તેણીની પુત્રી પીહુ તેમજ સુરભીબેનને નાની મોટી ઈજા થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.