Updated: May 26th, 2023
જામનગર,તા.26 મે 2023,શુક્રવાર
જામનગરમાં નુરી ચોકડી પાસે આજે વહેલી સવારે 5.00 વાગ્યાના અરસામાં એક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષાનું પડીકું વળી ગયું છે. રીક્ષા ચાલક સમય સૂચકતા વાપરીને બહાર કૂદી ગયો હોવાથી તેનો બચાવ થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નુરી ચોકડી પાસેથી આજે વહેલી સવારે 5.00 વાગ્યાના અરસામાં જી.જે.10 ટી.ડબલ્યુ. 4089 નંબરની રીક્ષાનો ચાલક પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન નુરી ચોકડી પાસે પુરપાટ વેગે આવી રહેલા જી.જે.38 ટી. 7087 નંબરના ટ્રકના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતાં રીક્ષાનો સોથ વળી ગયો હતો, અને ભારે નુકસાન થયું છે.
આ બનાવ સમયે રિક્ષાનો ચાલક તેમાંથી છલાંગ લગાવીને બહાર કૂદી ગયો હોવાથી તેનો બચાવ થયો છે અને કોઈ જાન માલની નુકસાની થઈ નથી.
આ બનાવ પછી ટ્રક ચાલક પોતાનો ટ્રક છોડીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.