જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા યુવાને પોતાની પત્ની સાથે વિખવાદ થતાં છૂટાછેડાનો કેસ કર્યો
image : Freepik
- વિફરેલી પત્નીએ પતિના બે બાઈક અને એક કારમાં તોડફોડ કરી નાખી નુકસાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ
જામનગર,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર
જામનગરમાં શરૂ સેકસન રોડ પર રહેતા એક વણિક દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો, અને વિખવાદ થતાં પતિએ છુટાછેડા માટેનો કેસ કર્યો હતો. દરમિયાન વિફરેલી પત્નીએ પોતાના પતિના બે ટુ-વ્હીલરમાં નુકસાન કરી નાખી, તેણીના સસરાની કારમાં પણ ઈંટ મારી તોડફોડ કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ અંબિકા ડેરીની સામે રહેતા ભાવિકભાઈ અમૃતલાલ શાહ (ઉ.વ. 39) કે જેણે પોતાની પત્ની વેજલબેન ભાવિકભાઈ શાહ સામે પોતાના બે ટુ વ્હીલરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે તેમજ પોતાના પિતાની કારમાં પણ તોડફોડ કરી નાખવા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી યુવાન અને તેની પત્ની વચ્ચે વિખવાદ થયો હોવાથી જામનગરની અદાલતમાં છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.
જે દરમિયાન ગઈકાલે પોતાના પતિની માલિકીના બે ટુ-વ્હીલરોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ તેણીના સસરાની કારમાં ઇંટનો ઘા કરી આગળનો કાચ તોડી નાખ્યો હતો. તેથી સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે પત્ની સામે ગુન્હો નોંધ્યો છે.