જામનગર,તા.5 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા એક યુવાને પોતાની પત્ની રીસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી એકલવાયું જીવન જીવતા હોવાના કારણે અને પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરીલઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશ લખાભાઇ વાઘેલા નામના 45 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નાનજીભાઈ લખાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે મૃતદેહના કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનની પત્ની છેલ્લા પાંચેક માસથી રિસામણે બેઠી છે, અને તેણીના માવતર ચાલી ગઈ છે. દરમ્યાન પોતાના એકલવાયા જીવનથી કંટાળી ગુમસૂમ રહેતા હોવાના કારણે અને પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જાહેર કરાયું હતું, જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


