કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમા ખરાબાની જમીન ખેડવા બાબતે ડખ્ખો: એક ખેડૂત યુવાન પર હુમલો
જામનગર, તા.27 એપ્રિલ 2020, સોમવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામ માં રહેતા એક ખેડૂત યુવાન પર સરકારી ખરાબાની જગ્યામાંથી ખેડાણ કરવા અંગેની તકરારમાં બે શખ્સોએ ધોકા- કુહાડી વડે હુમલો કરી ફેક્ચર કરી નાખ્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમા રહેતા અને ખેતીકામ કરતા સંજય દેવરાજભાઈ કથીરિયા નામના ખેડૂત યુવાને પોતાના ભાઈ રજનીકાંતભાઈ ઉપર લાકડાના ધોકા અને કુહાડી વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે તે જ ગામમાં રહેતા આલાભાઇ ઉર્ફે ઘુડો કાળુભાઈ ગોલતર અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.
આરોપી સરકારી ખરાબાની જગ્યામાં ખેડાણ કરી રહ્યો હતો. જેને રજનીકાંતભાઈએ ના પાડતા તેનું મન દુઃખ રાખીને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.