Get The App

જામનગર જિલ્લામાં ફટાકડા ફોડવા અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Updated: Oct 31st, 2024

GS TEAM


Google News
Google News
જામનગર જિલ્લામાં ફટાકડા ફોડવા અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 1 - image


Image: Freepik

દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને, અને જાહેર જનતાને અગવડ ન પડે, તે માટે જામનગર જિલ્લામાં ફટાકડા ખરીદ, વેચાણ તથા તેના ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ એન. ખેર દ્વારા જાહરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

આ જાહેરનામા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે, તેમાં ફટાકડા રાત્રે ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે.

સિરીઝમાં જોડાયેલા ફટાકડા થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકશે નહિ, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકશે નહી.

હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર  વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે PESO દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESO થી સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.

હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને ત્યાં કોઈપણ પ્રકારના ટાકડા ફોડી શકાશે નહીં.

કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં. ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબ સાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકાશે નહી.

લોકોને અગવડ ઉભી ન થાય કે કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જામનગર જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોડાઉનની નજીક ફટાકડા/દારૂખાનું ફોડી શકાશે નહીં. 

કોઈ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/ આતશબાજી બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાળી શકાશે નહી.

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓએ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમકોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.

ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવે છે તથા ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

આ જાહેરનામું તા. ૧૫-૧૧-૨૦૨૪ સુધી સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.

Tags :