For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અંદાજે 13 કરોડના ખર્ચે નવા MRI મશીનનું આવતા રવિવારે થશે લોકાર્પણ

Updated: Mar 21st, 2023


- ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ રાજ્યના આરોગ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો

- જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં 87 જેટલી ખાલી જગ્યાના પુછાયેલા પ્રશ્નનો પણ આરોગ્ય મંત્રીએ આપ્યો પ્રત્યુત્તર

જામનગર,તા.21 માર્ચ 2023,મંગળવાર

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન પ્રશ્નકાળમાં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને નવા અંદાજે 13 કરોડના ખર્ચે અપાયેલા એમ.આર.આઈ. મશીન કે જેનું આવતા રવિવારે લોકાર્પણ થવાનું છે, તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પ્રશ્નકાળ દરમિયાન તેઓએ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ખાલી રહેલી 87 જેટલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં પણ આરોગ્ય મંત્રીએ વિસ્તારથી જવાબ આપ્યા હતા.

 સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર ગુજરાત રાજ્યની વિધાનસભાના પ્રસનકાળ દરમિયાન પ્રાપ્ત થયા છે. કે જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂપિયા 13 કરોડના ખર્ચે નવુ એમ.આર.આઇ. મશીન મોકલવામાં આવ્યું છે, જેનું રવિવારે લોકાર્પણ થનાર છે.

 જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગુજરાતી વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રીને રૂપિયા દસ કરોડના અંદાજિત ખર્ચે વસાવાયેલા એમ.આર.આઇ. મશીન ના લોકાર્પણ બાબતે આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકારનો સમગ્ર જામનગરવાસીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

 જેના પ્રતિભાવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અંદાજે 1૦ કરોડ નહીં પરંતુ 13 કરોડના ખર્ચે એમ.આર.આઈ. મશીન ખરીદાયું છે, અને તેનું લોકાર્પણ પણ થશે અને જામનગર શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાની જનતાને તેનો લાભ મળતો થઈ જશે.

 આ ઉપરાંત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પૂછવામાં આવેલા જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં વિવિધ સંવાર્ગોની જગ્યા ખાલી રહેવાના કારણો અંગે પણ પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં વર્ગ -1 માં પ્રાધ્યાપકની 11 જગ્યાઓ, એસોસિયેટ પ્રોફેસરની 18 જગ્યાઓ, અને મદદનીશ પ્રાધ્યાપકની 58 જગ્યાઓ આમ મળીને કુલ 87 જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, બદલી, રાજીનામાં, અને લાયક ઉમેદવાર ન મળવાના કારણસર ખાલી રહેતી હોય છે.

 વર્ગ-2 ની કુલ 58 જગ્યાઓ ઉપરોક્ત કારણોસર ખાલી રહી છે, અને વર્ગ -3 માટે અધિક્ષક, સ્ટેનોગ્રાફર, સ્ટેનો ટાઈપિસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, વગેરે જગ્યાઓ છે. એ પણ એ જ કારણોસર ખાલી રહેલી છે.

 આ ઉપરાંત ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, અથવા મદદનીશ પ્રાધ્યાપક એ જગ્યાઓ ભરવા માટે તારીખ 22.1૦.2૦19, અને 23.1૦.2૦19 ના રોજ કુલ 75૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માંગણી પત્રકો જી.પી.એસ.સી. માં મોકલવામાં આવ્યા છે, અને આયોગ દ્વારા સીધી ભરતી ભરવા માટેની 3૦૦ ઉમેદવારની ભલામણ કરી દેવામાં આવી છે, અને તેમાંથી 277 જેટલા ઉમેદવારોને સીધી ભરતીથી નિમણૂક આપી દેવામાં આવી છે.

 41 જગ્યાઓ કે જે જગ્યાઓમાં લાયક ઉમેદવાર ન મળ્યા હોય, એમાં કોઈ ભલામણ નથી મળી. અને 6૦ જગ્યાઓ માટે નિમણૂક આપવાની કાર્યવાહી હાલ ગતિમાં છે, અને બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે આયોગમાંથી ભલામણ મળશે, એટલે તૂરતજ એ જગ્યાઓ ભરી દેવામાં આવશે.

 વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને ધ્યાને લઈને વખતોવખત વોક-ઇન ઇન્ટરવ્યૂ પણ યોજાતાં હોય છે, અને 11 મહિનાના કરાર આધારિત પણ તેમાં નિમણૂક આપવામાં આવે છે. અને બાકી રહેલી જગ્યા માટે પણ ખાતાકીય બઢતીથી આ જગ્યાઓ ભરવામાં આવે છે. જેમાં વર્ગ-2 માટેની જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવી હોવાનું પ્રત્યુતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

Gujarat