Get The App

કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતો એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો

Updated: Mar 20th, 2022

GS TEAM

Google News
Google News
કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતો એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો 1 - image

- પાસપોર્ટ વેરિફિકેશનનો રિપોર્ટ આપવા મામલે લાંચની માંગણી કરતાં જામનગર એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવાયું

જામનગર, તા. 20

જામનગર જિલ્લાના કાલાવડ ના ટાઉન પોલીસ મથકમાં રવિવારે બપોરે એક હેડ કોન્સ્ટેબલ પાસપોર્ટ વેરિફિકેશન ના મામલે રૂપિયા 600ની લાંચ લેતા જામનગર એસીબીની ટીમ ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેની અટકાયત ને લઈને પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ છે. પાસપોર્ટ વેરિફિકેશન કરવા માટે રૂપિયા 600ની માંગણીને લઈને છટકું ગોઠવાયું હતું.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાનો પાસપોર્ટ કઢાવવા માટે એપ્લિકેશન કરી હતી, જેમાં પોલીસ વેરિફિકેશનની જરૂર હોવાથી કાલાવડ ટાઉન પોલીસ મથક નો સંપર્ક સાધ્યો. જયાં ટાઉન પોલીસ સ્ટેશનમાં એલ.આઈ.બી. તથા ક્રાઇમ વિભાગમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્ર કુમાર પૂનમચંદ પટેલે વેરિફિકેશન માટે રૂપિયા 600ની લાંચની માગણી કરી હતી.

ફરિયાદીને તે રકમ ચૂકવવી ન હોવાથી જાગૃત નાગરિકે જામનગર એસીબીના ટોલ ફ્રી 1064 નંબરમાં લાંચની માંગણી સંબંધે જાણ કરી હતી. જેના અનુસંધાને જામનગર એસીબીની ટીમ દ્વારા ફરિયાદી અને આરોપી સાથેની હેતુલક્ષી વાતચીત અંગેના રેકોર્ડિંગ મેળવ્યા હતા. ઉપરાંત લાંચનું છટકું ગોઠવ્યું હતું.

જે દરમિયાન રવિવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં પોલીસ કર્મચારી ભુપેન્દ્ર કુમાર પટેલ ફરિયાદી પાસેથી રૂપિયા 600ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેથી એ.સી.બી. ની ટીમે તેના હાથમાં રહેલી પાવડર વાળી ચલણી નોટો કબજે કરી લઇ લાંચ રૂશ્વત ધારા હેઠળ અટકાયત કરી લીધી હતી, અને તેના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જામનગરના એસીબી પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને કાલાવડ સહિત જામનગરના પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.