For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોડિયાનાં બાલંભા ગામે ફરસાણના વેપારીને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેંટો

Updated: May 24th, 2023

Article Content Image

15 દિવસ પત્ની બનીને રહ્યા બાદ કન્યા છુમંતર રૂ. 1.85 લાખની રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના તફડાવી જનાર કન્યા અને લગ્ન કરાવી આપનાર દંપતી સહિત પાંચ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ

જામનગર, : જોડિયા તાલુકાના બાલંભા ગામનો ફરસાણનો એક વેપારી લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. 20 વર્ષ બાદ પોતાના લગ્નના ઓરતા પુરા થયા હતા, પરંતુ તે આનંદ માત્ર 15  દિવસ પૂરતો જ રહ્યો હતો, અને લૂંટરી દુલ્હન રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઈને રફુચક્કર થઈ જતાં જોડીયા પોલીસ મથકમાં લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર દંપતિ સહિત પાંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ફરસાણની દુકાન ધરાવતા નિલેશ ભગવાનજીભાઈ કાચા નામના ૪૨ વર્ષના  યુવાને પોતાની સાથે લગ્ન કર્યા પછી 15 દિવસ રોકાઈને એકાએક લાપતા બની જવા અંગે મહારાષ્ટ્રના નાગપુર ની વતની માલાબેન, ઉપરાંત લગ્ન કરાવી આપનાર ભેંસદડ ગામના આરતીબેન નિતેશભાઇ, અને તેણીના પતિ નિતેશ ઉર્ફે મીતેશભાઇ ચોટલીયા, તેમજ મહારાષ્ટ્ર નાગપુરની નિષાબેન તેમજ રેખાબેન સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 જોડીયા પોલીસ જાહેર કરાયા અનુસાર ફરિયાદી નિલેશભાઈ કાચા કે જેના છેલ્લા 20  વર્ષથી લગ્ન થતાં ન હોવાથી તેમણે ભેંસદડ ગામના વતની આરતીબેન નિતેશભાઇ અને તેના પતિ નિતેશ ઉર્ફે મિતેશભાઈ ચોટલીયા નો સંપર્ક કર્યો હતો, અને ગત 23-3-2023 ના દિવસે મૂળ હારાષ્ટ્રના નાગપુર ની માલાબેન નામની મહિલા સાથે બાલંભા ગામમાં આવેલા શંકર ભગવાનના મંદિરે લગ્ન કર્યા હતા.

 જે લગ્ન દરમિયાન તેણે પૈસાથી શોદો કર્યો હતો, અને જેતે વખતે૧1,85,000 ની રકમ ચૂકવી હતી ત્યારબાદ લૂંટેરી દુલ્હન માલાબેન કે જેને પગમાં પહેરવાના રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના ચાંદીના સાંકળા બનાવડાવી આપ્યા હતા, ઉપર નાકમાં પહેરવાના બે નંગ સોનાના દાણા જે પણ બનાવડાવીને પગેરાવ્યા હતા.

જો કે કન્યા માલાબેન કે જે ૧૫ દિવસ સુધી પત્ની તરીકે સંસાર ચાલુ રાખ્યા પછી એકાએક લાપતા બની ગઈ હતી. ત્યારબાદ નિલેશભાઈ દ્વારા અનેક વખત મોબાઈલ ફોન મારફતે તેમજ અન્ય રીતે માલાબેનને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ સંપર્ક થયો ન હતો.  આખરે તેને ધ્યાનમાં આવ્યું હતું કે પોતે એક લૂંટેરી દુલ્હનનો શિકાર બની ગયા છે, અને માલાબેન ઉપરાંત ભેંશદડ ના દંપતિ આરતીબેન અને નિતેશભાઇ તેમજ નાગપુર ની નિશાબેન તથા રેખાબેન  વગેરે પાંચેયનું ચિટિંગ નું કારસ્તાન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 જેથી સમગ્ર મામલો જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને જોડીયાના પી.એસ.આઇ. રવિરાજસિંહ ગોહિલ, તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. જે. જાડેજાએ પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો દોર નાગપુર સુધી લંબાવ્યો છે.

Gujarat