જામનગર,તા. 06 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા નિયો સ્ક્વેર નામના બિલ્ડિંગ કે જ્યાં અનેક ટયુશન ક્લાસ ધમ-ધમે છે અને કેટલીક ઓફીસ દુકાનો, શોરૂમ પણ આવેલા છે તે બિલ્ડિંગમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સકટ થવાના કારણે ત્રીજા માળે આગ લાગી હતી. અને આગના કારણે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઈન્કમટેક્સ ઓફિસ ની બાજુમાં આવેલા નિયો સ્ક્વેર નામના કોમશયલ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે એક ખાનગી બેન્ક ના બોર્ડ ની પાછળ ઈલેક્ટ્રીક સોટ સર્કીટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. પરંતુ બિલ્ડિંગના કાચ ના એલીવેશન ના કારણે ધુમાડો અંદરો અંદર જ ગોટાયો હતો. જેથી ભારે દોડધામ મચી ગઇ હતી ઉપરોક્ત બિલ્ડિંગમાં ત્રીજા માળે તેમજ અન્ય માળ પર કેટલાક ટયુશન કલાસ આવેલા છે તેમ જ અન્ય ઓફિસો વગેરે આવેલા છે જ્યાં આગની ઘટનાથી ભારે દોડધામ મચી ગઈ હતી અને ચારેયકોર ધુમાડો ફેલાયો હતો.
આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બિલ્ડિંગના ફાયર સિસ્ટમમાં લગાડેલી ફાયર પ્રણાલીનો જ ઉપયોગ કરી આગ ઠારવા માટે પ્રયત્ન કરાયો હતો. સાથો સાથ ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડિંગના કાચનું એલીવેશન તોડી પાડવામાં આવ્યું હતું જેથી ધૂમાડો બહાર નીકળી જતા આગ સમયસર કાબૂમાં આવી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડિંગના બાંધકામ કરનાર કરાવનાર પેઢીને આગલા દિવસે જ કાચનું એલીવેશન કઢાવી નાખવા માટે નોટિસ પાઠવી હતી અને તેના બીજા જ દિવસે આ આગની ઘટના બનતા ભારે અફડા-તફડી મચી ગઇ છે. ગઈકાલે સાંજે બનેલા આ બનાવને લઇને બિલ્ડીંગનો વિજ પુરવઠો બંધ કરાયો હતો અને ટ્રાફિકજામ પણ થયો હતો.


