Get The App

જામનગરમાં કોમ્પ્લેક્સના પ્રથમ માળે દવાખાનામાં આગ લાગતા દોડધામ

- દાંડિયા હનુમાન મંદિર સામે આગને લીધે રસ્તો કરાયો બંધ

- બાજુમાં આવેલા ટયુશન ક્લાસમાં વિદ્યાર્થીઓ ફસાઈ જતા બાજુના બિલ્ડીંગમાંથી નીચે ઉતારાયાઃ આગના બનાવથી અફડાતફડી

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં કોમ્પ્લેક્સના પ્રથમ માળે દવાખાનામાં આગ લાગતા દોડધામ 1 - image


જામનગર, તા.03 માર્ચ 2020, મંગળવાર

જામનગરમાં દાંડિયા હનુમાન મંદીરની સામે આવેલા રાધે ક્રિષ્ના એવન્યુ ના પ્રથમ માળે આવેલા એક ખાનગી દવાખાનામાં આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં સાર્ટ સકટ થવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી. બાજુમાં જ ટયુશન ક્લાસ ધમધમતા હતા અને તેમાં વિદ્યાર્થીઓ બેઠા હતા. જેઓ ફસાઈ ગયા હતા ફાયર બ્રિગેડે પ્રથમ માળેથી બાજુના બિલ્ડીંગમાં થી વિદ્યાર્થીઓને સહીસલામત નીચે ઉતારી લેતા હાશકારો અનુભવાયો હતો. 

જામનગરમાં દાંડિયા હનુમાન મંદિરની સામે આવેલા રાધા કૃષ્ણા એવન્યુ કોમ્પ્લેક્સ ના પ્રથમ માળે આવેલી ડો બત્રાની ખાનગી ક્લિનિકમાં આજે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં શોર્ટ સકટ થવાના કારણે આગ લાગી હતી. અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.  આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા બાજુમાં જ એક ટયુશન ક્લાસ ચાલુ હતો અને તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જેઓ સીડી વાટે ઉતરી શકે તેમ ન હોવાથી તમામ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને ભારે દેકારો મચી ગયો હતો.

ઘટનાસ્થળે દોડી ગયેલી ૧૦૮ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી પોલીસ તથા અન્ય નાગરિકો એ એકત્ર થઇ ને પ્રથમ માળે થી બાજુના બિલ્ડિંગની છત પર વિદ્યાર્થીઓને એક પછી એક સલામત રીતે ઉતારી દીધા હતા. જેથી જાનહાની ટળી હતી. અને સૌએ હાશકારો અનુભવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી પાણીના બે ટેન્કર વડે આગને બુઝાવી દીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી ગઈ હતી.

 ઉપરોક્ત બિલ્ડિંગમાં ટયુશન ક્લાસ તથા ઓફિસ વગેરે પણ આવેલા છે. જેમા આગના બનાવના કારણે ભારે અફડા-તફડી મચી ગઇ હતી. પરંતુ સમયસર કાબૂમાં આવી જતા જાનહાની ટળી હતી. પોલીસે સલામતીના ભાગરૂપે દાંડિયા હનુમાન મંદિરથી ગુરુદ્વારા તરફ જવાનો માર્ગ સીલ કરી દીધો હતો. અને આગની ઘટના સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

Tags :