જામનગરના પસાયા બેરાજા ગામે ૧૫ વર્ષના તરૂણની કરપીણ હત્યા
- સીમ વિસ્તારમાં લોહીથી લથબથ મૃતદેહ મળ્યો
- માથામાં ધારિયાનો ઘા ઝીંકી દીધા બાદ ગુપ્ત ભાગે છરી વડે હુમલો કરીને હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર
જામનગર : જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાંથી આજે ૧૫ વર્ષના તરુણની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી છે. કોઈ અજ્ઞાાત શખ્સો દ્વારા માથામાં ધારિયાનો ઘા ઝીંકી દીધા બાદ ગુપ્ત ભાગે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી ભાગી છુટયા હતા. પંચકોશી એ. ડિવિઝન અને એલસીબી નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને મૃતદેહ તેમજ હથિયાર નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા પંકજ કાળુભાઈ ડામોર નામના ૧૫ વર્ષના તરૂણનો લોહીથી લથબથ મૃતદેહ પસાયા ગામની સીમ વિસ્તારમાંથી આજે સવારે મળી આવ્યો હતો.
આ બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ એલસીબી ની ટુકડી વગેરે પસાયા ગામની સીમમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સાંભળી આગળની તપાસ હાથ ધરી હતી. ૧૫ વર્ષનો તરુણ પંકજ કે જેના માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો, ઉપરાંત ગુપ્ત ભાગે પણ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. ત્યારબાદ બંને હથીયાર સ્થળ પર મૂકીને હત્યારા ભાગી છુટયા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને પસાયા બેરાજા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ છે.