જામનગર જીલ્લામા લોક ડાઉનના 18 દિવસો દરમિયાન 766 FIR નોંધાવાઇ: 526ની અટકાયત
જામનગર, તા. 12 એપ્રિલ 2020 રવિવાર
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોક ડાઉનની અમલવારી કરવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે. લોકડાઉનના સત્તરમાં દિવસે 99 એફઆઈઆર દાખલ કરાયા પછી ગઈકાલે લોક ડાઉન ના અઢારમા દિવસે વધુ 101 ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 56 શખ્સોની અટકાયત કરી લેવાઈ છે.
લોક ડાઉનના અઢાર દિવસો દરમિયાન કુલ 766 એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. જ્યારે 526 ની અટકાયત કરી લેવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ચુસ્તપણે અમલવારી થાય તે માટે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે અને શહેરના દરેક વિસ્તારોમાં પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
સાથોસાથ ડ્રોન કેમેરાઓની અને સીસીટીવી કેમેરાઓ ની મદદ લેવામાં આવી રહી છે. જેમાં લોક ડાઉનના સત્તરમાં દિવસે લોક ડાઉનનો ભંગ કરનારાઓ સામે 99 એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જે પ્રક્રિયા ગઈકાલે શનિવારે અઢારમા દિવસે પણ ચાલુ રખાઇ હતી અને વધુ 101 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં 56 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે બાકીના લોકોને નોટિસ આપી જવા દેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉનના અઢાર દિવસ દરમિયાન શહેર જિલ્લામાં કુલ 766 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 526 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે પાછળથી તેમને જામીનમુક્ત કરાયા છે. આ ઉપરાંત અન્ય લોકોને નોટિસ આપી જવા દેવાયા છે.