- જામનગરમાં લગ્ન પ્રસંગના બહાને મોડી રાત્રી સુધી લાઉડ સ્પીકર વગાડી ઘોંઘાટ કરનારા ડી.જે.ઓપરેટરો સામે પોલીસ તંત્રની લાલ આંખ
જામનગર, તા. 18 ફેબ્રુઆરી
જામનગર શહેરમાં મોડી રાત્રી સુધી લગ્ન પ્રસંગ ના બહાને લાઉડ સ્પીકર વગાડી ઘોંઘાટ સર્જનારા ડી.જે. ઓપરેટર અને સાઉન્ડ ઓપરેટરો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે, અને જુદા જુદા પાંચ સ્થળોએ થી સાત ડી.જે. ઓપરેટર તેમજ સાઉન્ડ ઓપરેટર ની અટકાયત કરી લઈ તેઓની સાઉન્ડ સિસ્ટમ વગેરે કબજે કરી લેતાં ભારે દોડધામ થઈ છે.
જામનગર શહેરમાં રાત્રીના દસ વાગ્યા પછી લગ્ન પ્રસંગ ના બહાને અનેક ડી.જે. ઓપરેટરો તેમજ સાઉન્ડ સિસ્ટમના સંચાલકો દાંડિયા રાસમાં મોટે મોટે લાઉડ સ્પીકર વગાડી ને આડોશી પાડોશીને હેરાન પરેશાન કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. હાલમાં લગ્નની સીઝન ચાલતી હોવાથી શહેરની અનેક વાડી, ફાર્મ હાઉસ, અથવાતો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં, જાહેર ચોક અથવા તો પાર્ટી પ્લોટમાં મોટા પાયે સાઉન્ડ વગાડી ઘોંઘાટ સર્જતા હોવાની ફરિયાદ મળી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. ભોયેની આગેવાની હેઠળ જુદી જુદી પોલીસ ટીમોને સમગ્ર સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દોડતી કરાવાઈ હતી, અને શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ મોડી રાત્રી સુધી સિસ્ટમ ચાલુ રાખનારો સામે તવાઈ બોલાવી હતી.
જેના અનુસંધાને પોલીસે અજય ધીરુભાઈ સરવૈયા, ભરત વેરશીભાઈ ચારોલા, કાનજીભાઈ ધનજીભાઈ પરમાર, દિપક શાંતિલાલ કણજારીયા, મુસાઇદરજા ઓસમાણ મીરની કમોરા, સાગર ચના ભાઈ મકવાણા, અને સંજય રમેશભાઇ પરમાર સહિત ૭ જેટલા સાઉન્ડ ઓપરેટર અને ડી.જે. ઓપરેટર ની અટકાયત કરી લઈ તેઓની સાઉન્ડ સિસ્ટમ વગેરે કબજે કર્યા છે. પોલીસની આ કાર્યવાહીને લઇને અનેક સાઉન્ડ ઓપરેટરો માં ફફડાટ મચી ગયો છે.


