જામનગર જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુર બહારમાં, નવ મહિલાઓ સહિત 44 ઝડપાયા
- વધુ આઠ સ્થળે પોલીસના જુગાર અંગે દરોડા, 44 પત્તા પ્રેમીઓ ગિરફતાર
જામનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
જામનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગારની જમાવટ વધતી જાય છે, જેની સામે પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે. જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ગઈ રાત્રે પોલીસે વધુ આઠ સ્થળે જુગાર અંગે દરોડા પાડયા છે, અને જૂગટું રમી રહેલી 9 મહિલાઓ સહિત 44 આરોપીઓને પકડી પાડી તેઓ પાસેથી રૂપિયા 5.82 લાખની માલમતા કબજે કરી છે.
જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ મણિલાલ જોગીયા નામના સોની શખ્સના રહેણાક ફ્લેટમાં બહારથી સ્ત્રી-પુરુષોને એકત્ર કરીને જુગાર રમાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડતા 4 મહિલાઓ અને ત્રણ પુરુષો જુગાર રમતા મળી આવ્યા હતા.
જેથી પોલીસે મકાનમાલિક કમલેશ મણિલાલ જોગીયા ઉપરાંત ચાર મહિલાઓ દક્ષાબેન ત્રિભોવનભાઇ અઘેરા, શિલ્પાબેન કમલેશભાઈ જોગીયા, અરુણાબેન કાનાભાઈ કોડીયાતર, ભાવનાબેન પરબતભાઈ ગોજીયા વગેરે સહીત સાત શખ્સોની ધરપકડ કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ વાહનો સહિત 4.71 લાખની માલમતા કબજે કરી છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં થી પોલીસે ચાર શખ્સોને જુગાર રમતા પકડી પાડયા છે. જામનગર તાલુકાના થાવરીયા ગામ માંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સ ને પોલીસે પકડી પાડયા છે.
જામનગર નજીક હાપા વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી કાળીબેન હરજીભાઈ સાલાણી, કંચનબેન મુકેશભાઈ સાલાણી, બેબી બેન બાબુભાઈ સરવૈયા, મંજુબેન વાલાભાઈ બેરડીયા અને શાંતાબેન મોહનભાઈ ચાવડા વગેરે પાંચ મહિલાઓની ધરપકડ કરી લઇ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
આ ઉપરાંત જોડિયા તાલુકાના કેશીયા ગામેથી જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે પકડ્યા છે જ્યારે જામજોધપુર મા સોનવાડી ગામે સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા નવ શખ્સોને શેઠ વડાળા પોલીસે પકડી પાડયા છે.