For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગર સહિત હાલાર પંથકમાં સાંજે 4.3ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ

ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી 14 કિમી દૂર બેડ નજીક નોંધાયું: કોઇ જાનહાનિ નહીં: લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા

Updated: Aug 19th, 2021

Article Content Imageજામનગર, 19 ઓગસ્ટ 2021 ગુરૂવાર

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારમાં આજે સાંજે 7.00 વાગ્યા ને 13 મિનિટે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાતાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો, અને લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હોવાના અહેવાલો મળ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 14 કિમી દૂર બેડ નજીક નોંધાયું છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 7.00 વાગ્યા ને 13 મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ત્રણ સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકાને લઇ ને અનેક બિલ્ડિંગો હાકડોલક થયા હતા. તેમજ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.  અનેક મકાનના બારી દરવાજા ખખડી ઉઠયા હતા, અને લોકો ડરના માર્યા ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલની હોવાનું અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 14 કિમી દૂર બેડ નજીક અને જમીનમાં 10 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું નોંધાયું છે.

Article Content Imageભૂકંપના અહેવાલ મળતાની સાથે જામનગર નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય બન્યું હતું. અને જામનગર જિલ્લાના ધ્રોળ -જોડીયા- કાલાવડ- લાલપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક મામલતદાર સાથે ટેલિફોનિક સંદેશાઓ મેળવ્યા હતા. જોકે સમગ્ર જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં માત્ર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. એક પણ સ્થળેથી જાનમાલની નુકસાની ના કોઈ અહેવાલો મળ્યા નથી. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

ઘણા વખત પછી ભૂકંપની અનુભૂતિ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, અને આફ્ટરશોક ના ડરના કારણે અનેક લોકો હજુ ઘરની બહાર જ ઊભેલા જોવા મળી રહ્યા છે.

Gujarat