Gujarat

જામનગર: સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા 2 તબીબો, 4 એમપીડબલ્યુ હોમ ક્વોરન્ટાઈન

By GS Team
14 May 20202 mins read
This article was originally published on 14 May 2020
જામનગર: સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા 2 તબીબો, 4 એમપીડબલ્યુ હોમ ક્વોરન્ટાઈન

જામનગર, તા. 14 મે 2020, ગુરુવાર

જામનગરના રેફ્યૂજી કોલોની વિસ્તારમાં રહેતા અને ઠેબાચોકડી પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં છેલ્લા દોઢ માસથી ફાર્માસીસ્ટ તરીકે સેવા આપી રહેલા એક આરોગ્ય કર્મીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જ્યારે તેના સંપર્કમાં રહેલા અને સમરસ હોસ્ટેલમાં જ ફરજ બજાવી રહેલા ડો.ચિરાગ દોમડીયા અને ડો. રવિ મુછાળને પોતપોતાના ઘેર હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓની સાથે જ કામ કરી રહેલા ચાર એમપીડબલ્યુને પણ હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા સમરસ હોસ્ટેલમાં અન્ય તબીબોની ટુકડીઓને કાર્યવાહી માટે જોડી દેવામાં આવી છે.

હોસ્ટેલનું સમગ્ર પરિસર વિશેષરૂપે સેનીટાઇઝ કરાયું

જામનગર શહેરમાં બહારગામથી આવતા લોકોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે લોકોની સાર સંભાળ રાખવા માટે તેમ જ જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવા માટેની ફ્રન્ટલાઇન વોરીયર તરીકેની સેવા આપતા આરોગ્ય કર્મીઓ પણ ગઈકાલે કોરોના વાયરસના સંક્રમિત બની ગયા પછી હોસ્ટેલના પરિસરને સેનીટાઇઝ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું

ગઈ કાલે ત્રણ વોરિયર્સ કોરોના સંક્રમિત બની ગયા પછી મહાનગર પાલિકાના મ્યુનિ.કમિશનર દ્વારા સંપૂર્ણપણે સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનરલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી ઇજનેર, કંટ્રોલીંગ અધિકારી, ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર વગેરે હોસ્ટેલમાં પહોંચી ગયા હતા. સૌ પ્રથમ લેડીઝ હોસ્ટેલને સંપૂર્ણપણે સેનીટાઇઝ કરવામાં આવી હતી. ત્યાર પછી બોયસ હોસ્ટેલ સહિત સમગ્ર સમરસ હોસ્ટેલમાં સેનીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.