જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર
ગુજરાત રાજ્યના પીજીવીસીએલના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જામનગર શહેરમાં આજે પ્રથમ ડિઝીટલ સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ થઈ ગયો છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક્ષક ઇજનેરના ઘેર સૌપ્રથમ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવીને આ પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગરમાં વિશાલ હોટલ નજીક દ્વારકેશ રત્ન સોસાયટી હીરાપાર્ટના સબ પ્લોટ નંબર 22 ના બ્લોક નંબર 10 માં રહેતા અધિક્ષક ઇજનેરના નિવાસ્થાને આજે સવારે પ્રથમ ડિજિટલ મીટર લગાવીને પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો.
આ વેળાએ સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીના અધિકારીઓ તથા પી.જી.વી.સી.એલ.ની સેન્ટ્રલ ઝોન કચેરીના નાયબ ઇજનેર અજય પરમાર, તથા વર્તુળ કચેરીના નાયબ ઇજનેર કાલાવડીયા વગેરે અધિક્ષક ઈજનેર વાય.આર.જાડેજાના નિવાસ સ્થાને અધિક્ષક ઇજનેરની ઉપસ્થિતિમાં પ્રથમ સ્માર્ટ મીટર લગાડીને જામનગર ખાતે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી.
હવે પછી સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં તબક્કા વાર સ્માર્ટ વિજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવશે. સૌ પ્રથમ લાલ બંગલા સ્થિત વિજ કચેરીમાં સ્માર્ટ મીટર મૂકવામાં આવશે, ત્યારબાદ કન્ઝ્યુમરના મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.


