Get The App

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે: ૧૪ જેટલા કેદીઓએ હંગામો મચાવી દેતાં જેલ તંત્રના ભારે તંગદિલી

Updated: May 7th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે: ૧૪ જેટલા કેદીઓએ હંગામો મચાવી દેતાં જેલ તંત્રના ભારે તંગદિલી 1 - image

- હત્યા કેસના કાચા કામના કેદીને બેરેકમાં મૂકવા જતી વખતે બબાલ: ૧૪ જેટલા કેદી સામે ગુનો નોંધાયો

જામનગર તા.7 મે 2022,શનિવાર 

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે ચડી છે, અને એક કાચા કામના કેદી ના સમર્થન માં કુલ ૧૪ જેટલા કેદીઓએ જેલમાં હંગામો મચાવ્યો હતો, અને જેલ સિપાઈની ફરજમાં રુકાવટ ઊભી કર્યા નો મામલો સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જેલ સિપાહી દ્વારા ૧૪ કેદીઓ સામે પોતાને ધાક-ધમકી આપી ફરજમાં રૂકાવટ ઉભી કરવા અંગે ની ફરિયાદ નોંધાવી છે. ૧૫થી વધુ જેલ સ્ટાફ દ્વારા એકત્ર થઈ જઈ હંગામો મચાવનાર કેદીઓને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પોલીસમાં રજૂ કરાયા છે.

આ પ્રકરણની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ ના ૩૦૨ના ગુનાના એક આરોપી હનીફ રસુલ મકવાણા કે જે હાલ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહે છે, જેને ગઈકાલે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં એક યાર્ડમાંથી બીજા યાર્ડ માં જવાની કોશિશ કરતાં તેને અટકાવવામાં આવ્યો હતો. પોતે ચાર નંબરના બેરેકમાં રહે છે, પરંતુ ગઈકાલે પોતાના યાર્ડ માં થી બહાર નીકળીને ૬ નંબરના ઘૂસવા જતાં ફરજ પર રહેલા જેલ સિપાહી ધર્મદિપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા એ તેને અટકાવ્યો હતો, અને પોતાની બેરેકમાં જવાનું કહેતાં કેદી હનીફ મકવાણા ઉશ્કેરાયો હતો, અને ધર્મ દિપસિંહ સાથે જીભાજોડી કરી હતી.

એટલું જ માત્ર નહીં મને એક દિવસ માટે પણ જામીન મળશે, એટલે સૌથી પહેલા હું તને પૂરો કરી દઈશ. તેવી ધમકી આપતાં મામલો બિચક્યો હતો. આ સમયે અન્ય ૧૩ જેટલા કેદીઓ પણ એકત્ર થઈ ગયા હતા, અને ભારે હંગામો મચાવ્યો હતો.

કેદી હનીફ મકવાણાને જેલની ઓફિસમાં લઈ જઈ તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હતી, અને જેલ અધિકારી દ્વારા કેદી તેમજ જેલ સિપાહી ધર્મ દિપસિંહ જાડેજા નું નિવેદન નોંધવા નો પ્રયત્ન કરી રહ્યા હતા, તે દરમિયાન અન્ય ૧૩ જેટલા કેદીઓએ જેલના પાછળના ફાટક પાસે એકત્ર થઈ જઇ હંગામો મચાવ્યો હતો, અને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.

આથી જેલની અંદર હાજર રહેલા ૧૫ જેટલા સિપાઈઓ વગેરે એકત્ર થઇ ગયા હતા, અને સમગ્ર ટોળાને કાબૂમાં લઈને આખરે જેલની બેરેકમાં મોકલી દીધા હતા. દસેક મિનિટ સુધી ચાલેલા હંગામા નો સીસીટીવી મા રેકોર્ડ થયેલો વીડિયો ફૂટેજ ના સ્વરૂપમાં એકત્ર કરી લેવામાં આવ્યો હતો, અને તે ફૂટેજના આધારે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં હંગામો મચાવનારા કેદીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેલ સિપાહી ધર્મદિપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ની ફરિયાદના આધારે ધ્રોલના હત્યા કેસ માં કાચા કામના કેદી તરીકે રહેલા મુખ્ય સૂત્રધાર એવા હનીફ રસુલ મકવાણા, ઉપરાંત તેના સાગરિતો મનાતા એવા કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઈ જુણેજા, સબ્બીર ઉર્ફે માઈકલ ઉમરભાઈ ખફી, સોહીલ મહંમદભાઈ પારેખ, જાફર સીદીકભાઈ જુણેજા, ઉબેદ અબ્દુલભાઈ કોરડીયા, જહાંગીર યુસુફભાઈ ખફી, જબાર ઉર્ફે કારિયો હુસેનભાઇ સફીયા, અસલમ હુસેનભાઇ સફીયા, મુસ્તાક હોથી ભાઈ ખફી, એજાજ દાઉદભાઈ સફીયા, સાલેમામદ ઉર્ફે કચ્છી ઈશા ભાઈ છરૈયા,એઝાઝ ઉર્ફે ચકલી કાદરભાઈ શેખ, અને અસરફ ઈલિયાસભાઈ સાયચા વગેરે સામે આઈ.પી.સી. કલમ ૩૩૨,૫૦૬-૨,૧૪૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને જેલ વર્તુળમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.