મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 16,522 બોટલ ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પંચકોષી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૯,૫૨૨ બોટલો સહિત કુલ રૂ. ૫૩,૭૮,૫૧૭નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પંચકોષી એ. ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર-રાજકોટ હાઈ-વે પર માનસી હોટલ પાછળ ભાજપના મહિલા કોર્પાેરેટરના પુત્ર હિતેશ નરશીભાઈ બાંભણીયાના કબજા-ભોગવટાવાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉન પાસે બે પીકઅપ અને એક છોટા હાથી વાહનમાંથી દારૂની હેરફેર અને કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અશોક લેલેન્ડ પીકઅપના ચાલક ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિાકને ઝડપી લીધો હતો.
દારૂની ૧૯,૫૨૨ બોટલોનો જથ્થો મળ્યો
પોલીસે ગોડાઉન અને વાહનોની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૯,૫૨૨ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં ત્રણ વાહનો અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત ૫૩ લાખ ૭૮ હજાર ૫૧૭ રૂપિયા થવા જાય છે.
ઝડપાયેલા વાહનચાલકની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેના મિત્ર હિતેશ બાંભણીયાએ વેચાણના હેતુથી બહારથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. ગોડાઉનમાં દારૂનું કટિંગ કર્યા બાદ સ્થાનિક બુટલેગરો તથા અન્ય સંડોવાયેલા ઇસમોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી હોવાનું જણાવાયું છે.
મુખ્ય સૂત્રધાર સહિત ૧૦ આરોપીઓની શોધખોળ
આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા ઉપરાંત સુનીલ ઉર્ફે ભૂતી ધનજીભાઈ દોણાસીયા, સુનીલ બારૈયા, દિલીપ, મેરૂ રામા રબારી, યોગેશ કોળી, રાહુલ રેશીયા, વીમલો ડોડારો, રોહિત કોળી, જીગો સોલંકી ખવાસ સહિતના કુલ ૧૦ આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે.




