જામનગર, તા. 26 માર્ચ 2021, શુક્રવાર
જામનગર શહેરમાં યાદવ નગર તેમજ નાગેશ્વર કોલોની વિસ્તારમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડયા છે, અને છ મહિલાઓ સહિત 12 આરોપીઓની અટકાયત કરી લીધી છે. અને તેઓ પાસેથી રૂપિયા 2૫ હજારની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરમાં યાદવ નગર નજીક મહાદેવ નગર વિસ્તારના કેટલીક મહિલાઓ સહિતના આરોપીઓ જાહેરમાં એકત્ર થઇને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, તેવી સીટી સી ડિવિઝન પોલીસને માહિતી મળતા ગઇરાત્રે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. જે દરોડા સમયે છ મહિલાઓ અને પુરુષો સહિત આઠ વ્યક્તિ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.
જેથી પોલીસે જુગાર રમી રહેલી ભાવનાબેન નારણભાઈ બોદર, માલી બેન લાખાભાઈ નંદાણીયા, કમુબેન રેશમા ભાઈ ગોરાણીયા, ધનીબેન બાબુભાઇ ચેતરીયા, રંભીબેન સામતભાઈ નંદાણીયા, અને માલાબેન કેશુભાઈ મંગલાણી ઉપરાંત મહેન્દ્રસિંહ જશુભા જાડેજા અને ઉદુભા નવલ સંગ જાડેજા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,990ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો નાગેશ્વર કોલોની વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમી રહેલા અરવિંદ ઉર્ફે ટીડો હસમુખભાઈ સોલંકી, વિવેક અશોકભાઈ મકવાણા, યુસુફ ઉર્ફે લીલો કલર ઓસ્માણભાઈ અને ભીખુ અનવરભાઈ મલેક વગેરે ચાર શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,700ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.


